વલસાડ જિલ્લાની કોલેજોમા પારડીની સરકારી આયુર્વેદીક ડીસપેન્સરી દ્વારા યોગાસન વિષય પર ઓનલાઇન પરિસંવાદ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
યોગ એ શરીર અને મન બંનેનું વિજ્ઞાન છે, આધ્યાત્મિકતા રૂપે સ્વસ્થ જીવન જીવવાની કલા શીખવે છેઆજની ભાગ-દોડ યુકત જિંદગીમાં વિકારયુકત સ્થિતીમાંથી મુક્તિ મેળવવાનો રાજમાર્ગ છે યોગ: ડો. હેમિલ ડી.પટેલ
વલસાડ:તા. ૧૮ એપ્રિલ–દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વસ્થ અને સશક્ત દેશના નિર્માણ માટે મેદસ્વિતા મુક્ત ભારત આહવાન કરતા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે જે અનુસંધાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગરની પ્રેરણાથી અને વલસાડ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાના જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ ઊર્વીબેન સી.પટેલના માર્ગદર્શન હેઠળ ગવર્મેન્ટ આયુર્વેદીક ડીસપેન્સરી પારડીના મેડીકલ ઓફિસર ડો. હેમિલ ડી.પટેલ (એમ.ડી.આયુ.) દ્વારા તા.૧૮/૦૪/૨૦૨૫ ના રોજ સવારે ૧૦ થી ૧૧ વાગ્યે કોલેજના વિદ્યાર્થીઓમાં યોગ જાગૃતિ માટે “Yoga and Routine life ” વિષય પર ઓનલાઇન પરિસંવાદનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ અને જાહેર જનતાએ ભાગ લીધો હતો.
આ પરિસંવાદમાં પારડીની સરકારી આયુર્વેદીક ડીસપેન્સરીના મેડીકલ ઓફિસર ડો. હેમિલ ડી.પટેલે જણાવ્યું કે,આગામી તા. ૨૧/૬/૨૦૨૫ ના રોજ દર વર્ષની જેમ આ વખતે અગિયારમાં “વિશ્વ યોગ દિવસ ૨૦૨૫”ની ઊજવણી થનાર છે. યોગ દિવસ ઊજવણીના ૧૦ વર્ષ પુરા થતા હોવાથી ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા ૧૦૦ દિવસ યોગ ઊજવણી કરવામાં આવી રહી છે. સાથે જ ગુજરાત સરકાર દ્વારા મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનની ઝુંબેશ હાથ ધરાઈ છે ત્યારે આજના ભાગ-દોડ યુકત જીવનમાં યોગનું ખૂબ જ મહત્વ છે. યોગ એ શરીર અને મન બંનેનું વિજ્ઞાન છે. જે શારીરિક, માનસિક, નૈતિક અને આધ્યાત્મિક રૂપે સ્વસ્થ જીવન જીવવાની કલા શીખવે છે. WHO એ પણ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની મહત્વની કડી તરીકે યોગના પ્રશિક્ષણ પર ભાર મુકયો છે. યોગના આઠ અંગોમાં અષ્ટાંગ યોગનું જીવનમાં મહત્વ સમજાવી યોગાસનના લાભ, સમય, યોગાસન કરવાની પદ્ધતિ અને સાવચેતીની માહિતી આપી હતી. ડાયાબિટીસ, હાઈપરટેન્શન અને બીજી અનેક સામાન્ય બીમારીના નિયંત્રણ માટે ઉપયોગી પદ્માસન, વજ્રાસન, મત્સ્યેન્દ્રાસન, ભુજંગાસન, શલભાસન, ધનુરાસન, મત્સ્યાસન, શવાસન, હલાસન, મયુરાસન, શીર્ષાસન વગેરે આસનો તેમજ અનુલોમ-વિલોમ, ભસ્ત્રિકા, કપાલભાતિ પ્રાણાયામ અને તેના લાભ વિશે જણાવ્યુ હતું. સુર્ય નમસ્કાર એક સંપુર્ણ વ્યાયામ છે. એનાથી શરીરના દરેક ભાગો મજબુત અને નિરોગી બને છે. એ સિવાય પ્રાણાયામ કરવાની પદ્ધતિ, તેના લાભો વગેરે વિષય પર ડો.પટેલ દ્વારા ઊંડાણમાં ચર્ચા કરવામાં આવી હતી.
આજના સમયમાં ભૌતિક વસ્તુઓ પાછળની સમજણ વિનાની દોડને કારણે શારીરિક બીમારઓ અને માનસિક યાતનાઓ વધી છે. આ બધી વિકારયુકત સ્થિતીમાંથી મુક્તિ મેળવવાનો રાજમાર્ગ યોગ છે. પ્રારંભિક તબક્કામાં યોગાસન અને પ્રાણાયમ યોગ્ય માર્ગદર્શકની હાજરીમાં જ શીખવા જોઈએ એવી ડો. પટેલે સૌને સમજ આપી હતી.