વલસાડ જિલ્લામાં ૪૬૭૪૮૬ બાળકોને કૃમિના રોગથી રક્ષણ માટે જિલ્લા આરોગ્ય તંત્ર કટિબદ્ધ
૧ થી ૧૯ વર્ષના બાળકોમાં આ રોગ વધુ સંવેદનશીલ હોય રાજ્ય સરકાર દ્વારા અલ્બેંડાઝોલની દવા નિઃશુલ્ક આપવામાં આવે છે

માહિતી બ્યુરો, વલસાડ, તા. ૧૦ ફેબ્રુઆરી
આદતો સ્વસ્થ તો બાળકો ખુશહાલ અને બાળકો ખુશહાલ તો દેશનું ભવિષ્ય સમૃધ્ધ. બાળકો સ્વસ્થ રહે તે માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દર વર્ષે તા. ૧૦ ફેબ્રુઆરીએ લોકોને કૃમિ રોગ વિશે જાગૃત કરવા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ઉજવાય છે. ખાસ કરીને ૧ થી ૧૯ વર્ષની વયના બાળકો આ રોગ માટે સૌથી વધુ સંવેદનશીલ હોય છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય આંતરડાના કૃમિ વિશે જાગૃતિ લાવવાનો અને બાળકોમાં માટી -સંક્રમિત કૃમિને સંપૂર્ણ નાબૂદ કરવાનો છે.
નાના બાળકોમાં ખાસ કરીને કૃમિ (કરમ)નું પ્રમાણ વધુ પડતુ જોવા મળતુ હતું, બાળકોનું આરોગ્ય, પોષણ, શિક્ષણ અને જીવનની ગુણવત્તા સુધારવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ અને આઇસીડીએસ વિભાગ દ્વારા સઘન કામગીરી કરવામાં આવે છે. વલસાડ જિલ્લામાં ૪૬૭૪૮૬ બાળકોમાં કૃમીનો નાશ થાય તે માટે દરકાર લેવામાં આવી રહી છે. બાળકો, વાલીઓ અને શિક્ષકોમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની વિશેષ જાગૃત્તિ ફેલાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
બાળકોમાં કૃમી (કરમ) ન થાય તે માટે કેટલીક મહત્વની બાબતો પર પ્રકાશ પાડતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે.પી.પટેલ જણાવે છે કે, બાળકોમાં જે સામાન્ય આદતો છે તેમાં સુધાર લાવવાની જરૂર છે. સામાન્ય રીતે બાળકોમાં કેટલીક આદતો જોવા મળે છે જેમ કે, ઉઘાડા પગે બહાર રમવુ, ખોરાક ખાવા પહેલાં હાથ નહી ધોવા, ખુલ્લામાં હાજતે જવું, જાજરૂનો ઉપયોગ કર્યા પછી હાથ નહી ધોવા, ફળો અને શાકભાજી ધોયા વિના ખાવા, ખોરાક ઢાંકેલો નહિ રાખવો વગેરે બાબતો ઉપર વાલીઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કૃમી સંક્રમનને અટકાવવું સહેલું છે તે માટે નખ હંમેશા નાના અને સાફ રાખવા, ચોખ્ખું પાણી પીવું, જમવા પહેલા અને પછી
કૃમિ ૩ પ્રકારના છે. હુકવોર્મ, વ્હીપવોર્મ અને રાઉન્ડ વોર્મ. કૃમિ એ પરજીવી છે, જે પોષણ માટે માનવ આંતરડામાં રહે છે. અપૂરતી સ્વચ્છતા અને સંક્રમિત માટીના સંપર્કને કારણે કૃમિ ફેલાઈ છે.
કૃમિ ચેપના લક્ષણો અંગે આરોગ્ય ખાતાના માહિતી, શિક્ષણ અને પ્રસારણ અધિકારી પંકજભાઈ પટેલે જણાવ્યું કે, જે બાળકોમાં કૃમિનું પ્રમાણ વધારે હોય તેવા બાળકોમાં ઉલ્ટી, ઉબકા, પેટમાં દુખાવો, ઝાડાં, અને થાક જેવી અસરો જોવા મળે છે. જે માટે કૃમિના ફેલાવાનું વિષચક્ર સમજવુ પણ જરૂરી છે. ચેપ ગ્રસ્ત બાળકના મળમાં રહેલા ઈંડા માટીને દુષિત કરે છે. માટીમાં ઈંડાનો વિકાસ થઇ લારવા બને છે. ગંદા હાથ વડે જમવાથી, દુષિત ખોરાકથી અથવા ચામડીમાં લારવા જવાથી બીજા બાળકો ચેપગ્રસ્ત થાય છે. ચેપ ગ્રસ્ત બાળકમાં ઈંડા અને લારવા વિકાસ પામી પુખ્ત કૃમિ બને છે જે ઈંડા પેદા કરે છે જેની બાળકના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર થાય છે. કૃમિ ખોરાક માટે માનવપેશી ઉપર આધાર રાખે છે, જેનાં કારણે પાંડુરોગ થાય છે. પોષણ ઉણપથી વૃધ્ધિ અને શારીરીક વિકાસ ઉપર નોંધપાત્ર અસરો થાય છે. માનવ શરીર માટે જરુરી પોષક તત્વોનો કૃમિ ઉપયોગ કરે છે જેનાં કારણે બાળકોમાં લોહીની ઉણપ, કુપોષણ, એનિમિયા અને અપુરતો વિકાસ જેવી અસરો જોવા મળે છે. આંતરડામાંથી વિટામીન એ નું શોષણ કરે છે. કૃમિ બાળક્ના ભણતર અને લાંબાગાળાની ઉત્પાદન ક્ષમતા ઉપર પણ અસર કરે છે. વધારે સંક્રમણના કારણે બાળક જલ્દી બિમાર થાય અથવા થાકી જાય છે. કૃમિ સંક્રમણ બાળક્નાં શારીરિક અને માનસિક વિકાસ ઉપર નકારાત્મક અસર કરે છે, જે આગળ જતા પુખ્ત્વયે વ્યકિતની કાર્ય ક્ષમતા ઉપર વિપરીત અસર કરી શકે છે. અભ્યાસ દર્શાવે છે કે, કૃમિના નાશથી શાળામાં બાળકોની ગેરહાજરીનાં પ્રમાણમાં ૨૫% નો ઘટાડો જોવા મળ્યો છે. વલસાડ જિલ્લાના શિક્ષકો, આરોગ્યનો સ્ટાફ અને આઇસીડીએસ વિભાગના સ્ટાફને આ અંગે તાલીમ પણ આપવામાં આવે છે.
કૃમિની સારવાર કેવી રીતે કરી શકાય તે અંગે વલસાડ જિલ્લા આરોગ્ય ખાતાના ન્યૂટ્રીશ્યન વિભાગના પ્રોગ્રામ આસિસ્ટન્ટ સ્નેહલ બારગજ જણાવે છે કે, કૃમિનાશક દવા- અલ્બેંડાઝોલ 400 મિ.ગ્રા.નિ:શુલ્ક ઉપલબ્ધ છે. એક થી બે વર્ષના બાળકોને અડધી ગોળી અને ૨ થી ૧૯ વર્ષના બાળકોને આખી ગોળી આપવી જોઈએ. અલ્બેંડાઝોલ એ બાળકો અને વયસ્ક બંને માટે સુરક્ષિત છે અને વિશ્વભરમાં લાખો લોકોમાં કૃમિની સારવાર માટે વપરાય છે. કૃમિનાશકનાં ફાયદાની વાત કરીએ તો, લોહીની ઉણપ અટકાવે છે. પોષણસ્તર સુધારે છે. એકાગ્રતા વધારવામાં મદદ કરે છે, શીખવાની ક્ષમતા અને શાળા/આંગણવાડીની હાજરીમાં સુધારો થાય છે. કાર્ય ક્ષમતા અને જીવન શૈલીમાં સુધારો, કૃમિનું પ્રમાણ પર્યાવરણમાં ઘટવાથી સમુદાયને ફાયદો થાય છે. રાષ્ટ્રિય કૃમિનાશક દિવસ અને મૉપ-અપ દિવસે ૧ થી ૧૯ વર્ષના શાળા અને આંગણવાડીમાં જતાં તમામ બાળકોને અલ્બેંડાઝોલ ગોળી આપવામાં આવે છે. શાળાએ ન જતા હોય અને બાકી રહી ગયેલા હોય તેવા બાળકો સુધી પહોંચવા માટે આંગણવાડી વર્કર અને આશા વર્કરની બહેનો દ્વારા મોપ અપ રાઉન્ડમાં ઘરે ઘરે જઈ સર્વે કરી એક પણ બાળક બાકી ન રહી જાય તેની કાળજી રાખવામાં આવે છે. જે બાળકો બિમાર હોય અથવા કોઈ દવા ચાલતી હોય તેમને અલ્બેંડાઝોલ આપવી નહી. આવા બાળકોને સાજાં થયાં બાદ દવા લેવાની સલાહ આપવામાં આવે છે. અલ્બેંડાઝોલ એ સરળતાથી ચાવી શકાય એવી ગોળી છે. નાના બાળકોને ગોળીનો ભૂકો પાણી સાથે મિક્ષ કરીને આપવામાં આવે છે.
આમ, દેશનું સુનહરુ ભવિષ્ય ગણાતા બાળકો સ્વસ્થ રહે તે માટે સરકારના વિવિધ વિભાગો સંયુક્ત રીતે કામગીરી કરી કૃમિનો નાશ કરવા માટે તત્પર છે.




