પોષણ માસ અભિયાન હેઠળ વલસાડ જિલ્લામાં સ્વસ્થ બાળક સ્પર્ધા યોજાઇ, ૮૨૦૫૨ બાળકોએ ભાગ લીધો
તમામ આંગણવાડી કેન્દ્રોમાં બાળકોનું વજન અને ઉંચાઈ કરી તંદુરસ્ત બાળકોનું રેંકિંગ કરવામાં આવ્યું

જિલ્લાના આંગણવાડી કેન્દ્રો/ ઘર/ પંચાયત/ શાળાઓ/ ખાસ શિબિરો/ પી.એચ.સી પર સ્પર્ધાનું આયોજન કરાયું
—-
માહિતી બ્યુરો: વલસાડ, તા. ૧૧ સપ્ટેમ્બર
પોષણ અભિયાન અંતર્ગત “સ્વસ્થ બાળક” ની ઓળખ અને ઉજવણી પર ભાર મૂકવા સંદર્ભે “સ્વસ્થ બાળક સ્પર્ધા” યોજવામાં આવી રહી છે. વલસાડ જિલ્લામાં આઇસીડીએસ વિભાગ દ્વારા હાલ ‘પોષણ માસ’ની ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં દર માસના બીજા મંગળવારે તા. ૧૦/૦૯/૨૦૨૩ ના રોજ જિલ્લાના ૬ માસ થી ૫ વર્ષના ૮૨૦૫૨ બાળકોએ “સ્વસ્થ બાળક” સ્પર્ધામાં ભાગ લીધો હતો. હવે ઘટક કક્ષાએ સ્વસ્થ બાળક સ્પર્ધાનું આયોજન કરાશે.
વલસાડ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં બાળકોનું વજન અને ઉંચાઈ કરી તંદુરસ્ત બાળકોનું રેંકિંગ કરી તથા ગ્રેડ ચેન્જ થયેલા બાળકોને પુરસ્કૃત કરી સ્વસ્થ બાળક સ્પર્ધાની ઉજવણી કરવામાં આવી હતી. આ સ્પર્ધા થકી માતા-પિતા/વાલીઓમાં પોતાના બાળકોની આરોગ્ય અને પોષણની સ્થિતિ સુધારવા માટે સ્પર્ધાત્મક લાગણી ઉત્પન્ન થાય અને કૉમ્યુનિટી મોબિલાઇઝેશનની સાથે લોકોમાં જાગૃતિ લાવવામાં મદદ મળી રહે છે. આ ખ્યાલ સાથે દરેક કવાર્ટરના છેલ્લા માસના બીજા મંગળવારે ૦ થી ૫ વર્ષના બાળકો માટે “સ્વસ્થ બાળક સ્પર્ધા યોજવામાં આવે છે.
સ્વસ્થ બાળક સ્પર્ધા કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના તમામ ૦-૬ વર્ષના બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લાની આંગણવાડી કેન્દ્રો/ ઘર/ પંચાયત/ શાળાઓ/ ખાસ શિબિરો/ પી.એચ.સી જેવા સ્થળો પર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.





