મસ્જિદે અમિનહ સંચાલિત મદ્રસહ અશરફુલ મદારિસ ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી
વલસાડ કોસંબા રોડ, મુશ્તાક નગરમાં આવેલ 'મસ્જિદે આમિનહ' સંચાલિત 'મદ્રસહ અશરફુલ મદારિસ'માં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી.

વલસાડ: તા.૧૭ ઓગસ્ટ
વલસાડ કોસંબા રોડ, મુશ્તાક નગરમાં આવેલ ‘મસ્જિદે આમિનહ’ સંચાલિત ‘મદ્રસહ અશરફુલ મદારિસ’માં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં મદ્રસહના વિધાર્થીઓએ દેશની આઝાદીના તરાનહ પઢ્યા તથા હિન્દુસ્તાનને આઝાદ કરાવવામાં શહીદ થયેલાં વીરોના બલિદાન, આઝાદીની ચળવળમાં વિશેષ ભાગ લેનાર મહાત્મા ગાંધી, ભગત સિંહ, શાહ અબ્દુલ અઝીઝ મુહદ્દિષે દહેલવી, મૌલાના અબૂલ કલામ આઝાદ, હાફિઝ ઝામિન, શયખુલ ઈસ્લામ, સચ્ચિદ અશ્ફાકુલ્લાહ ખાન વગેરે વિશે વિદ્યાર્થીઓએ પ્રવચન આપ્યું હતું. પ્રોગ્રામમાં ભાગ લેનાર વિધાર્થીઓ માટે ટ્રોફી અને પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યું હતું.
મસ્જિદે આમિનહ, મુશ્તાક નગર, વલસાડના પ્રમુખ હઝરત મૌલાના અબ્દુલ અઝીઝ સાહબે સ્વતંત્ર દિનનું પ્રવચન આપતા જણાવ્યું કે, “Union Of India”ના બે તહેવારો : સ્વતંત્ર દિન અને ગણતંત્ર દિનમાં સમગ્ર હિન્દુસ્તાનમાં એકતા દેખાય છે અને દરેક ઘરે તિરંગો જોવા મળે છે. એવી જ એકતા હંમેશા સર્વ ધર્મના લોકો વચ્ચે હોવી જોઈએ, જેથી દેશ વધુમાં વધુ પ્રગતિ કરી શકે અને સુપર પાવર બની શકે.
હઝરત મૌલાના અબ્દુલ અઝીઝ સાહબે તિરંગા વિશે વધુમાં જણાવ્યું હતું કે, તિરંગામાં કેસરી રંગ ત્યાગ અને બલિદાનનો છે. સાધુ-સંતો પણ ભગવા રંગના કપડાં પહેરે છે, કારણ કે એ લોકો સંસારનો ત્યાગ કરીને જીવન વિતાવે છે. સફેદ રંગ સુલેહ, સમાધાન અને શાંતિનો છે અને તિરંગામાં લીલો રંગ કૃષિ, કલ્યાણ અને સમૃદ્ધિનો છે.
તિરંગામાં અશોક ચક્ર ગતિશીલ અને પ્રગતિશીલ છે. એના ૨૪ આરામાંથી ૧૨ આરા સુખના અને ૧૨ આરા દુ:ખના ચિહ્નો છે. દરેક દુઃખ પછી સુખ આવે જ છે અને આ ક્રિયા મનુષ્યના જીવનમાં થતી રહે છે, માટે દરેક હિન્દુસ્તાનિઓએ દરેકના સુખ અને દુઃખમાં સહભાગી થવું જોઈએ અને એક બીજાને સહકાર આપી મદદરૂપ થવું જોઈએ.
ઉપરોકત પ્રોગામનું આયોજન મૌલાના યુનુસ સાહબ, મૌલાના ઈનાયતુલ્લાહ સાહબ તથા હાફિઝ ઝુબેર સાહબે કર્યું હતું. ઉપરોકત પ્રોગ્રામમાં મસ્જિદ, મદ્રસહ ટ્રસ્ટના સભ્યો એકવોકેટ આસિફભાઈ મંગેરા સાહબ, અનવરભાઈ પઠાણ સાહબ, તૌફીકભાઈ ટીમલ્યા સાહબ અને મુહસિનભાઈ શેખ સાહબ ઉપસ્થિત રહ્યા હતા.




