DHARAMPURVALSAD

ધરમપુરના વાઘવળ ખાતે શિવ મંદિર જીર્ણોદ્ધાર વિધિ અને ખાતમુહૂર્ત વિધિ વેદોક્ત વિધિથી સંપન્ન

દત્ત ગુફા સુધી પહોંચવા માટે પગથિયા અને રસ્તો બનાવવા માટે સરકારમાં દરખાસ્ત કરાશેઃ ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ
વલસાડ, તા. ૧૨ ફેબ્રુઆરી
વલસાડ જિલ્લાના ધરમપુરનાં વિલ્સન હિલ પાસે આવેલા વાઘવળ ગામમાં શિવ મંદિરનું જીર્ણોદ્ધાર વિધિ અને ખાતમુહૂર્ત વેદોક્ત વિધિથી આચાર્ય અને કથાકાર નરેશભાઈ રામાનંદીએ સમ્પન્ન કરાવી હતી. ભૂમિ પૂજન વિધિમાં ગીતાબેન તથા વિજય ગોયલ અને સુન્દરીબેન તથા સોન્યાભાઈ જાધવે કરી હતી. જ્યારે ખાતમૂહુર્ત ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને વિજય ગોયલ તથા ઉપસ્થિત અગ્રણીઓ કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે, ધરમપુર તાલુકાનાં પર્યટન મથકોના વિકાસ માટે રાજ્યના પર્યટન મંત્રીશ્રી મૂળૂભાઈ બેરાને રજૂઆત કરી છે. તેઓ વાઘવળ ખાતે દત્ત ગુફા સુધી પહોંચવા માટે જરૂરી પગથિયાં તથા પાકો રસ્તો બને તે માટે સરકારમાં દરખાસ્ત કરશે. દત્ત ગુફા સુધી પહોંચવા પગથિયાં અને રસ્તો બની જશે તો સહેલાણીઓ માટે દત્ત ગુફા આકર્ષણનું કેન્દ્ર બનશે તેથી વાઘવળનો સર્વાંગી વિકાસ ઝડપથી થશે.
સમર્થ રાષ્ટ્ર નિર્માણ એવં જનસેવા સંસ્થાન ટ્રસ્ટનાં પ્રમુખ વિજય ગોયલે જણાવ્યું કે, ટુંક સમયમાં ધરમપુર- કપરાડા તાલુકાના પ્રત્યેક ગામની માહિતી જનજન સુધી પહોંચે તેનાં માટે અલગ અલગ સોવિનિયર બનાવશે તથા એક યૂ ટ્યૂબ ચેનલ પણ શરૂ કરશે જેના માધ્યમથી આ વિસ્તારોમાં રહેલી પર્યટન મથકોના વિકાસની ક્ષમતાઓની માહિતી મળી શકે અને સહેલાણીઓનો આ વિસ્તારો તરફ ઘસારો વધશે. વિજય ગોયલે ધારાસભ્યને વિનંતી કરી કે, ધરમપુર, કપરાડા અને વાંસદા તાલુકામાં પર્યટનના વિકાસ માટે પાંચ વર્ષમાં રૂ. ૧૦૦૦ કરોડની ફાળવણી કરવા માટે સરકારમાં રજૂઆત કરજો, જેનાથી મુખ્ય રૂપે સહેલાણીઓ માટે લોજિંગ, બોર્ડિંગ અને ટ્રાન્સપોર્ટેશન સુવિધા ઉપલબ્ધ કરી શકાય. ધરમપુર, કપરાડા અને વાંસદા તાલુકામાં મહારાષ્ટ્ર તથા અન્ય વિસ્તારો કરતાં પર્વતીય પર્યટનની ક્ષમતાઓ તથા તકો વધારે રહેલી છે.
કથાકાર નરેશભાઈ રામાનંદીએ શિવમંદિરની જીર્ણોદ્ધાર વિધિ, પૂજન તથા ખાતમુહૂર્ત વિધિ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરાવી હતી. આશીર્વચનમાં કથાકારે જણાવ્યું કે, એમણે દત્ત ગુફામાં ૧૨-૧૨ વર્ષો સુધી સાધના કરી હતી જેનું ફળ આજે શિવમંદિરનું જીર્ણોદ્ધાર દ્વારા મળ્યું છે. દત્ત ગુફા અને પાસે આવેલા કુંડ કુદરતી છે. દરેક સ્થળે પાણી ઘટી જાય છે પણ દત્ત ગુફા પાસે આવેલા કુંડમાં ક્યારેય પાણી ઘટતું નથી. એમણે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સમક્ષ દત્ત ગુફા સુધી પહોંચવા માટે પગથિયાં બનાવવાં રજૂઆત કરી હતી.
આ અવસરે ટ્રસ્ટનાં મહામંત્રી તથા વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ ઉપપ્રમુખ રાજુભાઇ મહેતા (ઉમરગામ), વિશ્વ હિન્દુ પરિષદ વલસાડ વિભાગ પ્રમુખ નટુભાઈ પટેલ, આર. વેંકટરામન ફેમિલી ટ્રસ્ટ વડોદરાનાં પ્રમુખ રજનીભાઇ વૈષ્ણવ, હનુમાન મંદિર ગ્રુપ વલસાડના ઉપપ્રમુખ વિષ્ણુભાઈ પાટીલ, બી.આર. ઈન્ટરનેશનલ સ્કૂલ ધરમપુરનાં મેનેજર પુખરાજ ધ્યાવાલા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. જ્યારે બજરંગબલી મંડળ વાઘવળના સુનિલ જાદવ, મહેન્દ્ર ઠાકરિયા, ધનજીભાઈ, અશોકભાઈ, વિજયભાઈ વગેરે કાર્યકરોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!