વલસાડ ખાતે ‘શ્રી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ – વલસાડ’ દ્વારા તેજસ્વી તારલાઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો

વલસાડ: તા-૧૦ જુલાઈ
શ્રી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ વલસાડ દ્વારા શ્રી સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ તથા અબ્રામા સ્વામિનારાયણ સ્કુલ કેમ્પસમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત સલવાવ ગુરૂકૂળના પ્રમુખશ્રીએ કપીલ સ્વામીએ જણાવ્યું કે, વક્ષો થકી માનવ વસાહતોમાં ઓક્સિજનની ઉણપ પુરી કરવા આ સમાજે બીડું ઉપાડ્યું છે તે સરાહનીય છે. તેમજ સંપ, સંગઠન દ્વારા સમાજના યુવાનો સમાજ, રાજ્ય અને રાષ્ટ્રની સાથે સમર્પિત થઈ આદિવાસી વિસ્તારના જરૂરિયાતમંદોની સેવા કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે લેઉવા પટેલ સુરતના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું કે, આજના સાંપ્રત યુગમાં જીવન જીવવા માટે રોટી, કપડા તેમજ મકાનની સાથે સાથે તંદુરસ્ત આરોગ્ય, તણાવમુક્ત જીવન તેમજ સમયની માગ મુજબ આર્થિક ઉપાર્જન જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, જીવનમાં કમાયેલ મુડીને નાની બચત રોકાણ કરવાની સાથે સેવાના કાર્યોમાં વાપરવી જોઈએ. સાથે સાથે તેમણે વ્યસનમુક્ત સમાજનું આહવાન પણ કર્યું હતું.
નવસારી લેઉવા પટેલ સમાજના પ્રમુખશ્રી મધુભાઈ કથીરીયાએ કહ્યું કે, દરેક વ્યક્તિઓનો તાંતણા થકી મજબૂત સમાજની રચના થાય છે. તન, મન અને ધન થકી સેવાના કાર્યો કરવા પહેલ કરી હતી.
આ દસમાં વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સમાજના તેજસ્વી તારલાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. ટ્રસ્ટી નિકુંજ કયાડાએ પ્રેઝેન્ટેશન દ્વારા સમાજની પ્રવૃતિઓનો ચિતાર રજૂ કર્યો હતો. સમારંભમાં સમાજના અગ્રણી શ્રી દિપકભાઈ ગુંદણીયા, દિનેશભાઈ સુદાણી, શ્રી દેવચંદભાઈ કાછડીયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી વિજયભાઈ ઠુંમર, નિકુંજ કયાડા, જીતભાઈ રંગાણી, ભદ્રેશભાઈ સુદાણી, નિલેષ વોરા, હર્ષદભાઈ રતનપરા, સંજયભાઈ ગજેરા, વિજયભાઈ કયાડા, કયુરભાઈ પાઘડાર, સંજયભાઈ વોરા, વિજયભાઈ વિસાવડીયા, મલયભાઈ ગાબાણીએ જહેમત ઉઠાવી હતી. ધરમપુર, વલસાડ, વાંસદા વઘઈ, અતુલ, પારડી અને ખેરગામથી બહોળી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.






