VALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લામાં પાંચેય સ્થળે આયોજિત સમર યોગ કેમ્પનો સમાપન સમારોહ યોજાયો

વાત્સલ્યમ સમાચાર – મદન વૈષ્ણવ

વલસાડ,તા.૩૧:ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શીશપાલજીના નેતૃત્વ અને દક્ષિણ ગુજરાત ઝોનના કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેના માર્ગદર્શન હેઠળ “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન હેઠળ બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ અટકાવી શકાય તે માટે વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો સમાપન સમારોહ વિવિધ તાલુકા કક્ષાએ યોજાયો હતો.

આ સમર યોગ કેમ્પમાં ૭ થી ૧૫ વર્ષના બાળકોએ લાભ લીધો હતો. બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેમજ તંદુરસ્ત જીવનશૈલી અપનાવે એ ઉદેશ્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન યોગાસન, ધ્યાન, પ્રાણાયામ, મંત્રો અંગે તાલીમ આપવામાં આવી હતી તેમજ સંગીત, જુની રમતો, વિવિધ સ્પર્ધાઓ અને સેલ્ફ ડિફેન્સ જેવી વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી.

વલસાડ જિલ્લામાં કપરાડા, ઉમરગામ, પારડી, વાપી અને વલસાડમાં એમ પાંચ સ્થળે કુલ ૫૦૦થી વધુ બાળકોએ આ સમર યોગ કેમ્પનો લાભ મેળવ્યો હતો. આ કેમ્પમાં બાળકોને શિક્ષણની સાથે સાથે માતા- પિતા, ગુરુ અને પરિવાર સાથે સુમેળભર્યા સંબંધો જાળવી સમાજમાં સકારાત્મક ભૂમિકા ભજવવા માર્ગદશર્ન આપવામાં આવ્યું હતું. બાળકો દેશનું ભવિષ્ય હોવાથી તેઓ ભવિષ્યમાં સક્ષમ નાગરિક બને એવી સમજણ અને કેળવણી સર્ટિફાઇડ કોચ અને ટ્રેનર દ્વારા આપવામાં આવી હતી.

સમાપન સમારોહમાં અતિથિઓ, દાતાઓ, બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બાળકોએ યોગ પ્રદર્શન અને તેમના અનુભવ વર્ણન રજુ કર્યા હતા જે નિહાળી વાલીઓ અભિભૂત થયા હતા. દાતાઓ દ્વારા બાળકોને ઉપહાર આપવામાં આવ્યા હતા. જિલ્લા કો-ઓર્ડીનેટર પ્રીતિબેન વૈષ્ણવ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને વલસાડ જિલ્લાની યોગ પ્રેમી જનતાનો આભાર માનતા જણાવ્યું કે, આ સૌના સહકાર થકી આ ભવ્ય સમર યોગ કેમ્પ સફળ બન્યો છે, ભવિષ્યમાં પણ આપ સૌનો સહકાર મળતો રહે એવી અપેક્ષા વ્યક્ત કરીએ છે.

Back to top button
error: Content is protected !!