Rajkot: રાજકોટના “શૌર્યનું સિંદૂર” લોકમેળામાં પોલીસ વિભાગ દ્વારા યોજાયું શસ્ત્રોનું પ્રદર્શન

તા.૧૮/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
૧૯મી સદીની મશીન ગનથી લઈને એલ.એમ.જી., ઇન્સાસ રાયફલ, સ્નાઈપર સહિતના ૩૦થી વધુ શસ્ત્રો કરાયા પ્રદર્શિત
મેળામાં “પોલીસ વર્દી” અને “હેલ્મેટ ડ્રાઇવ” સેલ્ફી પોઇન્ટ બાળકો અને યુવાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા
Rajkot: “પોલીસ” શબ્દ સાંભળતા જ આપણને શિસ્ત, સમર્પણ અને સુરક્ષાની ભાવનાનો અનુભવ થાય છે, સુરક્ષાની આ લાગણી જન-જન ને અનુભવાય અને લોકો પણ પોલીસ વિભાગ પાસેના આધુનિક શસ્ત્રોથી માહિતગાર થાય તેવા શુભ આશય સાથે પોલીસ વિભાગ દ્વારા રાજકોટના રેસકોર્સ ખાતે આયોજીત “શૌર્યનું સિંદૂર” લોકમેળામાં શસ્ત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું છે.
આ શસ્ત્ર પ્રદર્શનમાં ૧૯મી સદીની મશીન ગનથી લઈને એલ.એમ.જી., ઇન્સાસ રાયફલ, સ્નાઈપર સહિતના ૩૦થી વધુ શસ્ત્રો કરાયા પ્રદર્શિત છે.
“શૌર્યનું સિંદૂર” લોકમેળામાં ઉભા કરવામાં આવેલા સ્ટોલમાં પોલીસ વિભાગના આશરે ૨૫ જેટલા કર્મયોગીઓ સ્ટોલના આ શસ્ત્ર પ્રદર્શનમાં રાખવામાં આવેલા શસ્ત્રોથી લોકોને માહિતગાર કરી રહ્યા છે.
આ શસ્ત્ર પ્રદર્શન સ્ટોલમાં બે સ્નાઈપર, લાઇટ મશીન ગન, મશીન પિસ્તોલ, ઇન્સાન રાયફલ, એસ.આઈ.જી. સોર સહિતના હથિયારો, વિવિધ સાઈઝની બુલેટ્સ, ૧૯મી સદીની અંગ્રજોના શાસનકાળની ૩૦૩ મેકીસમ મશીન ગન, સ્પીડ ગન, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડના વિવિધ સાધનો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત આ શસ્ત્ર પ્રદર્શનની સાથે લોકોમાં ટ્રાફિકના નિયમનું જ્ઞાન તથા જાગૃતિ આવે તે માટે હેલ્મેટ જાગૃતિ અને ટ્રાફિકના નિયમોની પોસ્ટર્સ, પેમ્ફલેટ દ્વારા વિસ્તૃત સમજણ આપવામાં આવી રહી છે. એટલું જ નહીં પરંતુ હેલ્મેટ ડ્રાઇવને વેગ મળે તે માટે “હેલ્મેટ ડ્રાઇવ” અને
“પોલીસ વર્દી” ના સેલ્ફી પોઇન્ટ પણ ઊભા કરવામાં આવ્યા છે, જે બાળકો અને યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.
નોંધનીય છે કે, નાગરિકોને શિસ્ત, સમર્પણ અને સુરક્ષાની ભાવનાનો અનુભવ કરાવતા પોલીસ વિભાગ દ્વારા ઊભા કરવામાં આવેલા આ સ્ટોલમાં પ્રદર્શિત કરાયેલા શસ્ત્ર પ્રદર્શનને મેળામાં આવતા સહેલાણીઓએ અચૂક નિહાળવુ જોઈએ.







