રાજકોટ દુર્ઘટના બાદ તંત્રની કડક કાર્યવાહી:હાંસોટના સુણેવકલ્લા ગામમાં મંજૂરી વગર ચાલતો યુહુ એડવેન્ચર પાર્ક સીલ કરાયો


સમીર પટેલ, ભરૂચ
રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ વહીવટી તંત્ર સતર્ક બન્યું છે અને કડક કાર્યવાહી કરી રહ્યું છે. આ કડક વલણ હેઠળ ભરૂચના હાંસોટ તાલુકાના સુણેવકલ્લા ગામમાં આવેલા યુહુ એડવેન્ચર અને નેચરલ પાર્કને સીલ કરી દેવામાં આવ્યો છે.
હાંસોટ મામલતદાર રાજન વસાવાને આ પાર્ક વિશે જાણકારી મળતાં તેમણે પોલીસ સાથે સ્થળ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પાર્કના સંચાલકો પાસે કોઈપણ પ્રકારની કાયદેસરની મંજૂરી નથી. ફાયર NOC સહિત સક્ષમ અધિકારીઓની મંજૂરીના પુરાવા પણ રજૂ કરી શક્યા નહોતા.
આ પાર્કમાં વિવિધ શાળાઓના બાળકો મુલાકાતે આવતા હતા, જે સલામતીની દૃષ્ટિએ ચિંતાજનક બાબત હતી. રાજકોટ ગેમઝોન હોનારતને ધ્યાનમાં રાખીને મામલતદારે તાત્કાલિક અસરથી પાર્ક બંધ કરવાનો આદેશ આપ્યો અને પાર્કને સીલ કરી દીધો. આ પહેલાં જિલ્લા ફાયર વિભાગ અને સ્થાનિક ફાયર વિભાગે પણ અંકલેશ્વર-ભરૂચના ફાયર NOC વગરના ગેમઝોન બંધ કરાવ્યા હતા.




