વલસાડ જિલ્લામાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૯ નવેમ્બર
વલસાડ જિલ્લામાં ‘‘આપણુ શૌચાલય, આપણુ સન્માન’’ થીમ હેઠળ વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી નિમિત્તે ગામડાઓમાં સ્વચ્છતાને લગતી વિવિધ સાફ સફાઈના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં પણ સ્વચ્છતાને લગતા આ કાર્યક્રમો ચાલુ રહેશે. ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત બનાવવામાં આવેલા સામુહિક શૌચાલયનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે માટે જર્જરિત થયેલા CSC નું મરામત પણ કરવામાં આવશે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળના તમામ તાલુકાઓમાં SBM-G યોજના હેઠળ ધરમપુર તાલુકાના તુંબી અને કરંજવેરી ગામે, કપરાડા તાલુકાના જોગવેલ ગામે, પારડી તાલુકાના સરોધી અને ઉદવાડા ગામે, ઉમરગામ તાલુકાના ખત્તલવાડા ગામે, વલસાડ તાલુકાના કાપરીયા અને તિથલ ગામે તેમજ વાપી તાલુકાના કોપરલી ખાતે સામુહિક શૌચાલય અને વ્યક્તિગત શૌચાલયની સાફ સફાઈની કામગીરી કરી વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.