Rajkot: સૌની યોજના રાજકોટ વિભાગમાં લિન્ક-૩ના પેકેજ-૮ અને ૯નાં રૂ.૩૯૩ કરોડનાં કામો પૂર્ણ

તા.૨/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક
Rajkot: રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં સૌની યોજના તેમજ રાજકોટ સિંચાઈ યોજના વિભાગના વિવિધ વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બહુમાળી ભવન ખાતે રાજકોટ પંચાયત સિંચાઈ વર્તુળના અધિક્ષક ઈજનેરશ્રીની કચેરી ખાતે હાલમાં જ યોજાયેલી બેઠકમાં, બંને વિભાગની કામગીરીનો પ્રગતિ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જણાવાયું હતું કે, સૌની યોજના વિભાગ-રાજકોટ હેઠળના રૂપિયા ૩૯૩.૬૭ કરોડનાં બે કામો પૂર્ણ થઈ ગયાં છે. જ્યારે રૂ.૧૮૧.૧૭ કરોડનાં કામો હાલ ચાલુ છે. ઉપરાંત રૂ. ૩૨૫૮.૮૩ કરોડનાં ૧૦ કામો આયોજન હેઠળ છે.
રાજકોટ જિલ્લામાં રાજકોટ, ગોંડલ, કોટડાસાંગાણી તાલુકામાં સૌની યોજના લિન્ક-૩ પેકેજ-૮ના રૂ.૨૬૪ કરોડના કામો સંપન્ન થઈ ગયા છે. જ્યારે રાજકોટ-જામનગર જિલ્લામાં રાજકોટ, લોધિકા, ગોંડલ, જામકંડોરણા, કોટડાસાંગાણી તથા કાલાવડ તાલુકામાં સૌની યોજના લિન્ક-૩ પેકેજ-૯ના રૂ. ૧૨૮.૭૧ કરોડના કામો પૂર્ણ થઈ ગયા છે. રાજકોટ તથા બોટાદ જિલ્લાના જસદણ, વિંછિયા તથા બોટાદ તાલુકાને સાંકળતી લિન્ક-૪ના પેકેજ-૯ના રૂ.૧૮૧.૧૭ કરોડના કામો હાલ ચાલુ છે. જેમાં ૩૫ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ૪૫ ગામો તેમજ મોરબી જિલ્લાના ૧૧ ગામોને સિંચાઈ માટે નર્મદાના પાણીનો લાભ આપવાના કામો હાલ પ્રગતિમાં છે અને ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલુ છે. ઉપરાંત અન્ય આઠ મળીને ૧૦ જેટલાં રૂ. ૩૨૫૮ કરોડનાં કામો આયોજન હેઠળ છે.
મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ચાલુ કામો તેમજ આયોજન હેઠળના કામોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને અધિકારીઓને કામગીરી ઝડપથી આગળ વધારવા માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં રાજકોટ સિંચાઈ યોજના વર્તુળના અધિક્ષક ઈજનેર શ્રી શ્રેયસ હરદેયા, રાજકોટ સિંચાઈ વર્તુળના અધિક્ષક ઈજનેર સુશ્રી પ્રેક્ષા ગોસ્વામી, રાજકોટ સિંચાઈ યોજના વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી ભાવિન ભીમજીયાણી, સૌની યોજનાના કાર્યપાલક ઈજનેર, નાયબ કાર્યપાલક ઈજનેર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.





