
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં વીર બાળ દિવસની ઉજવણી, આંગણવાડી કેન્દ્રોમાં બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ
વીર બાળ દિવસ દર વર્ષે 26 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. શીખ ઈતિહાસ સાથે સંબંધિત આ એક મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસને વીર બાળ દિવસ તરીકે ઉજવવાનું મુખ્ય કારણ દસમા શીખ ગુરુ ગોવિંદ સિંહ જી ના નાના સાહિબજાદા જોરાવર સિંહ અને પાંચ વર્ષના તેમના નાના ભાઈ બાબા ફતેહ સિંહની બહાદુરીના સન્માનના માનમાં ઉજવાય છે જેને લઇ 26 ડિસેમ્બર અરવલ્લી જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં વીર બાળ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે નાના બાળકોમાં દેશપ્રેમ, શૌર્ય અને સંસ્કારનું સંવર્ધન થાય તે હેતુથી વિવિધ શૈક્ષણિક તથા મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત બાળકો દ્વારા લીંબુ-ચમચી સ્પર્ધા, દેડકા દોડ, કોથળા દોડ, રસ્સી ખેંચ જેવી રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવાયો હતો. ઉપરાંત બાળકોને વીર-વીરાંગના તરીકે વેશભૂષા ધારણ કરાવવામાં આવી હતી, જેમાં બાળાઓએ વીર ગાથાઓ કહી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.આ સાથે ચિત્રકામ, ચીટકકામ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોની પ્રતિભાને ઉજાગર કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું.વીર બાળ દિવસની ઉજવણી દ્વારા બાળકોમાં શૌર્ય, સાહસ અને રાષ્ટ્રપ્રેમના ગુણો વિકસે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.




