Rajkot: નશાબંધી સપ્તાહ ની ઉજવણી અંતર્ગત રાજકોટ જિલ્લામાં યોજાના વિવિધ કાર્યક્રમો
તા.૧/૧૦/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
કોલેજોમાં નિબંધ, વક્તૃત્વ સ્પર્ધા તેમજ ગામડાઓમાં નશાબંધી વિષયક લોકડાયરા યોજાશે
Rajkot: રાજકોટ જિલ્લા નશાબંધી સમિતિ તેમજ નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી દ્વારા તા.૨ ઓક્ટોબરથી તા.૮ ઓક્ટોબર દરમિયાન નશાબંધી સપ્તાહની ઉજવણી કરાશે.
વ્યસનથી સમાજમાં અનેક પ્રકારના દુષણોનો જન્મ થાય છે. પરિણામે સમાજ અને રાષ્ટ્રને નુકસાન થાય છે. જે અંગે લોકજાગૃતિ કેળવવાના આશયથી રાજકોટ જિલ્લામાં નશાબંધી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાશે.
જેમાં તા.૨ ઓક્ટોબરના રોજ સવારે આઠ વાગે શહેરના જ્યુબેલી ચોક પાસે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને મહાનુભાવશ્રીઓ દ્વારા ફુલહાર પહેરાવી નશાબંધી સપ્તાહનો પ્રારંભ કરાશે. ત્યાર બાદ વિદ્યાર્થીઓ દ્વારા નશાબંધી રેલી યોજાશે. રાત્રે ૮ કલાકે આટકોટ ખાતે નશાબંધી વિશે લોકડાયરાનો સાંસ્કૃતિક કાર્યક્રમ અને નશાબંધી પ્રચાર સાહિત્ય વિતરણ કાર્યક્રમ યોજાશે. તા.૩ ઓક્ટોબરના રોજ બપોરે ૧ કલાકે કાળીપાટ બી.જી. હોમિયોપેથીક મેડિકલ કોલેજ ખાતે નશાબંધી વિષયક નિબંધ સ્પર્ધા, પ્રવચનો, સ્લોગન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા સહિત કાર્યક્રમ અને વ્યસનમુક્તિ પ્રતિજ્ઞા કાર્યક્રમ યોજાશે. રાત્રે ૮ કલાકે વીરનગર ખાતે નશાબંધી વિષયક લોક ડાયરાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
તા.૪ ના રોજ સવારે ૧૧ કલાકે વિંછીયા તાલુકાની અમરાપુર શૈક્ષણિક સંસ્થા ખાતે નશાબંધી વિશે વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, નશાબંધી પ્રદર્શન સહિત કાર્યક્રમ યોજાશે.રાત્રે ૮ કલાકે જસદણ તાલુકાના પાંચવડા ગામે નશાબંધી વિષયક લોક ડાયરાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. તા.૫ ઓક્ટોબરના રોજ બપોરે ત્રણ કલાકે રાજકોટ સ્થિત શબરી આશ્રમ બોમ્બે હાઉસિંગ સોસાયટી પાસે રાસ ગરબા સ્પર્ધા, નશાબંધી પ્રદર્શન, નશાબંધી પ્રચાર સાહિત્ય વિતરણ, ઇનામ વિતરણ, વ્યસનમુક્તિ પ્રતિજ્ઞા સહિત કાર્યક્રમો તેમજ રાત્રે ૮ કલાકે જીવાપર ખાતે નશાબંધી વિષયક લોક ડાયરાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
તા.૬ ઓક્ટોબરના રોજ સવારે ૧૧.૩૦ કલાકે એલ.ઈ.કોલેજ મોરબી ખાતે નશાબંધી વિષયક વકતૃત્વ સ્પર્ધા અને નશાબંધી પ્રદર્શન સહિતના જાગૃતિ કાર્યક્રમ યોજાશે. રાત્રે ૮ કલાકે જસાપર ખાતે નશાબંધી વિષયક લોકડાયરાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
તા.૭ ઓક્ટોબરના રોજ સવારે ૧૧ કલાકે મહિલા હોમ સાયન્સ કોલેજ ગોંડલ ખાતે વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, પ્રવચનો, વ્યસનમુક્તિ પ્રતિજ્ઞા સહિત નશાબંધી કાર્યક્રમો યોજાશે. તેમજ તા.૮ ઓક્ટોબરના રોજ સવારે ૧૧ કલાકે આત્મીય યુનિવર્સિટી રાજકોટ ખાતે નશાબંધી સપ્તાહની પૂર્ણાહુતિ કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવોના વક્તવ્યો સહિત કાર્યક્રમ યોજાશે.