સમીર પટેલ, ભરૂચ
ઝઘડિયા ચાર રસ્તાથી ડેપો સુધી ઉડતી ધૂળ સ્થાનિક લોકો અને વેપારીઓ ત્રસ્ત બન્યા છે. બે કીલોમીટર જેટલો રોડ પાણીનો છંટકાવ કરવામાં આવે અને માર્ગ ઉપર ડામરનું કાર્પેટીંગ કરવામાં તેવી વેપારીઓ સહિત લોકો માંગ કરી રહયાં છે. વાહનોની સતત અવરજવરના કારણે ઉડતી ધૂળથી 200થી વધારે નાના-મોટા વેપારીઓ હાલાકી ભોગવી રહયાં હોવા છતાં તંત્ર હાથ પર હાથ નાખીને બેઠું છે. રસ્તાનું નવીનીકરણ પણ કરવામાં આવતું નથી કે પછી પાણીનો છંટકાવ પણ કરાતો નથી. ધૂળના કારણે ખાણીપીણીના ધંધા પર સૌથી વધારે અસર જોવા મળી રહી છે. ધવલ શાહ નામના સ્થાનિકે જણાવ્યું હતું કે, ચાર રસ્તા થી ઝઘડિયા ડેપો સુધી બાળકો થી લઈ વૃધ્ધ લોકો જેમા રહેવાસી અને વેપારીઓમાં ઉડતી ધૂળની ડમરીઓ ને કારણે ખાંસી, કફ, શ્વાસની તકલીફો વધે તે પહેલા તંત્ર કોઈ પગલા ભરે તે જરૂરી છે.
રોગચાળો ફેલાવાનો ભય બે કિમીના રોડ પર રોજિંદા રહેવાસી અને વેપારીઓ હજારો લોકો હાલાકી ભોગવી રહ્યાં હોવા છતાં રસ્તા અને સતત ઉડતી ધૂળથી લોકોની હાલત કફોડી બની છે. રસ્તાની બંને તરફ આવેલી દુકાનો સુધી ધૂળ પહોંચી જતાં તેમને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખાણીપીણીની દુકાનો ઉપર લોકો ધૂળવાળુ ભોજન આરોગી રહ્યાં હોવાથી રોગચાળો ફેલાવાનો પણ ભય રહેલો છે.