દર વર્ષે ૫ મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ (WED) ઉજવવામાં આવે છે. જેમાં આ વર્ષની થીમ Ending Plastic Pollution Globally રાખવામાં આવી છે.તે અંતર્ગત જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રીની સુચના અન્વયે તારીખ ૨૨ મે થી ૦૫ મી જૂન સુધી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં જૂનાગઢ જિલ્લાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને લોકોમાં પર્યાવરણના રક્ષણ પ્રત્યે મહત્તમ જાગૃતિ ફેલાય તેવો ઉમદા હેતુ રહેલો છે.જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા સંચાલિત સ્પોર્ટસ કલબ ખાતે ચાલતા સમર કેમ્પમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે Say No To Plastic અભિયાન અંતર્ગત ઝુંબેશરૂપ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ જિલ્લાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા અને સ્વચ્છતાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે સમયાંતરે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શાળાના બાળકોમાં નાનપણથી જ પર્યાવરણ જાળવણી તેમજ પ્લાસ્ટીક દ્વારા થતા પર્યાવરણીય નુકશાનો વિશે જાગૃતિ આવે તે માટે ખાસ કાર્યક્રમો હાથ ધરવામાં આવતા હોય છે. ઉકત વિવિધ કાર્યક્રમોમાં સમર કેમ્પમાં સહભાગી તમામ બાળકો, શિક્ષકગણ, તેમજ વાલીશ્રીઓ જોડાયા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ