BHUJKUTCH

કચ્છની ખમીરવંતી પ્રજા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઉષ્માભેર સ્વાગત

કચ્છ વાસીઓને ૫૩,૦૦૦ કરોડ થી પણ વધારે વિકાસ કાર્યો ની ભેટ

 

રિપોર્ટ: પ્રતીક જોશી, યશ માંકડ

‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બાદ પ્રથમ વખત કચ્છની ધીંગી ધરા પર રૂ. ૫૩,૦૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપવા પધારેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા ભુજના હિલગાર્ડન પાસેથી કોલેજ રોડ પર બનાવવામાં આવેલા વિશાળ સભાખંડ સુધી એક કિલોમીટર લાંબો ભવ્ય રોડ-શો યોજાયો હતો.

પોતાના લોકલાડીલા વડાપ્રધાનની એક ઝલક મેળવવા કચ્છી માડુઓ રોડ-શોમાં સ્વયંભૂ ઉત્સાહપૂર્વક ઉમટી પડ્યા હતા. રોડ શોના સમગ્ર રૂટ પર કચ્છવાસીઓએ હાથમાં તિરંગો પકડીને પુષ્પવર્ષા સાથે પ્રધાનસેવકને ઉમંગ ઉલ્લાસથી આવકાર્યા હતા. જન જનના મુખેથી ‘મોદીજી.. મોદીજી…મોદીજી…’, ‘ભારત માતા કી જય’, વંદે માતરમ્’ ગગનભેદી જયઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત સન્માનમાં યોજાયેલા રોડ શોમાં નારીશક્તિ અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ઓપરેશન સિંદૂરને દર્શાવતા હોય તેમ રોડ શોમાં કેસરી રંગની સાડીમાં સજ્જ અંદાજે દસ હજાર જેટલી મહિલાઓએ સિંદૂર ધારણ કરીને વડાપ્રધાનશ્રીનું બેન્ડ વગાડી સ્વાગત અભિવાદન કરી, બિરદાવ્યા હતા.

રોડ શોના રૂટ પર ૧ કિલોમીટર લાંબો તિરંગો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. રોડ શોની યાત્રાના રૂટ પર પ્રચંડ નારીશક્તિ, દેશભક્તિના ગીતો, રૂટ પર તિરંગાઓ, વિવિધ ઝાંખીઓ, સાંસ્કૃતિક કૃતિઓ, ભારતીય સેનાના શસ્ત્રોની પ્રતિકૃતિઓએ વાતાવરણને ઉર્જાવાન અને મનમોહક બનાવી દેતાં મહોત્સવ જેવા વાતાવરણનું નિર્માણ થયું હતું.

કચ્છીમાડુઓ દ્વારા દર્શાવાયેલા આ પ્રેમનો પ્રધાનમંત્રીશ્રીએ પણ ઉષ્માસભર પ્રતિસાદ આપતા સમગ્ર રસ્તે હાથ હલાવી જનતાનું અભિવાદન ઝીલ્યું હતું અને આબાલ-વૃદ્ધ સૌ નગરજનો પ્રત્યે વ્યક્ત કરેલા પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

રોડ શોમાં ઓપરેશન સિંદૂરની વિવિધ ઝાંખીઓ, વડાપ્રધાનશ્રી મોદી અને ભારતીય સેનાના જવાનો સાથે તેજસ અને રાફેલ ફાઈટર પ્લેન તેમજ બ્રહ્મોસ મિસાઈલનું કટ આઉટ, ઓપરેશન સિંદૂરની કેપ, શાસ્ત્રીય નૃત્યો, માતૃભૂમિનું સરહદ પર રક્ષણ કરતા સરહદના પ્રહરી વીર જવાનોના પરિવેશ ધારણ કરીને આવેલા ભૂલકાંઓ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!