વંદે માતરમ્ ગીતના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં સાર્ધ શતાબ્દી ઉજવણી, ઐતિહાસિક ગીતના ગૌરવગાન સાથે રાષ્ટ્રભક્તિના ભાવોનો જાગ્રત પ્રસંગ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
ભારતના ગૌરવ ગીત ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સમગ્ર દેશમાં ઉજવણીની લાગણી જોવા મળી રહી છે. એ અંતર્ગત ગુજરાતમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને રાષ્ટ્રધર્મ પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે યાત્રા રૂપે શરૂ થયેલી ‘વંદે માતરમ્ સપ્તાહ’ની ઉજવણી અનોખા ઢબે આયોજિત કરવામાં આવી.
યુનિવર્સિટીના કશ્યપ સભાગૃહ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વંદે માતરમ્ ગીતની ઉત્પત્તિ, મહત્વ અને ઈતિહાસ વિશે સંશોધન આધારિત ઓડિયો-વિઝ્યુઅલ રજૂઆત કરવામાં આવી. મહારાષ્ટ્રના પુણેથી આવેલા સંશોધક મિલિંદ સબનીસ અને તેમની ટીમ દ્વારા આ ઐતિહાસિક ગીતની રચનાથી લઈને સ્વાતંત્ર્યસંગ્રામ દરમ્યાન આપેલા યોગદાન સુધીની યાત્રા ભાવનાત્મક અને માહિતીપ્રદ રીતે રજૂ કરવામાં આવી.
વંદે માતરમ્ ગીતની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે 1875માં કરી હતી અને તે ગીત માત્ર શબ્દોનો સંગૃહ નથી, પરંતુ રાષ્ટ્રભાવના, માતૃભૂમિ પ્રત્યેની ભક્તિ અને એકતાનું પ્રતિક છે. દેશના વિવિધ ભાગોમાં આ ગીતને અગ્રેસર રાખીને રચાયેલ લોકચેતનાનું ઉદાહરણ છે.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કુલપતિ પ્રો. ડૉ. અમીબહેન ઉપાધ્યાયે યુનિવર્સિટીની યાત્રા અને સમાજપ્રતિ પ્રતિબદ્ધતા અંગે પ્રેરક ઉદબોધન આપ્યું. રાષ્ટ્રધર્મ પ્રતિષ્ઠાનના પ્રમુખ હર્ષદ યાજ્ઞિકે દેશની સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમના ઉન્નત મૂલ્યો અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો.
કાર્યક્રમમાં મહામંત્રી ઋત્વિબહેન પટેલ, રાજ્યશાસ્ત્રવિદ્ ડૉ. હિતેશ પટેલ, ચિરાયુ પંડિત સહિત અનેક મહાનુભાવો અને સંશોધકો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આઝાદીગાથામાં રસ ધરાવતા લોકોની પણ બહોળી સંખ્યા નોંધાઈ હતી.
કાર્યક્રમમાં વંદે માતરમ્ ગીતના વિવિધ સંગીતાત્મક રૂપો પણ રજૂ કરવામાં આવ્યા, જેમાં જુદાં જુદાં રાગમાં ગીતના ભાવને પ્રતિબિંબિત કરવામાં આવ્યા હતા. આ ગીતે ફક્ત દેશની ભૂમિ માટેના પ્રેમને જ નહીં, પણ દરેક નાગરિકના હૃદયમાં રહેલી એકતાની ભાવનાને જીવંત કરી છે, એ વાતને દરેક પ્રવક્તાએ સ્પષ્ટતા પૂર્વક રજૂ કરી હતી.
વિદ્વાનોએ જણાવ્યું કે વંદે માતરમ્ માત્ર ઈતિહાસનું પાનું નથી, તે હજી આજે પણ નવયુગના ભારત માટે દિશાદર્શન પૂરું પાડે છે. આવા કાર્યક્રમો દ્વારા જ યુવા પેઢીમાં રાષ્ટ્રીય ગૌરવ અને જ્ઞાનની સંસ્કૃતિ ઉત્પન્ન થાય છે.
વિશાળ જનસમૂહના ઉપસ્થિત અને ઊંડા રસથી ભરેલા કાર્યક્રમનો સમાપન વંદે માતરમ્ ગીતના સમૂહગાન અને રાષ્ટ્રીય પ્રતિજ્ઞા સાથે કરવામાં આવ્યો.







