ભારતીય ચૂંટણી પંચના સચિવશ્રી સંજીવકુમાર પ્રસાદે આજે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટેના પોલિંગ સ્ટાફની પ્રથમ તાલીમનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે પોલિંગ સ્ટાફ સાથે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શક અને નિષ્પક્ષતા વિશે સંવાદ કર્યો હતો.મહત્વનું છે કે, વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટેની પોલિંગ સ્ટાફની તાલીમમાં પ્રથમવાર ઇવીએમ હેન્ડ્સ ઓન હેન્ડ ટ્રેનિંગમાં ચૂંટણી સ્ટાફની ૩ થી ૪ અધિકારી કર્મચારીઓની એક ટીમને ઇવીએમ, વીવીપેટ, બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ સોંપી દેવામાં આવ્યું હતું. વોટીંગ માટેના આ ઉપકરણોની વ્યાપક સમજ આપવાની સાથે મોકપોલની ડ્રિલ સ્વયં પોલિંગ સ્ટાફની ટીમે કરી હતી. ચૂંટણી સ્ટાફના અધિકારી કર્મચારીઓએ જાતે ૧૦૦ જેટલા મત નાખી મોકપોલ કર્યા હતાં અને આ મત યોગ્ય રીતે થયા છે. તેની વીવીપેટની કાપલીઓ સરખાવી ખરાઈ પણ કરી હતી.ઈસીઆઈના સેક્રેટરીશ્રી સંજીવકુમારે તાલીમના જુદા જુદા કક્ષમાં જઈ પોલિંગ સ્ટાફ સંબોધતા કહ્યું હતું કે, ભારતીય ચૂંટણી પંચ ખાસ કરીને પોલિંગ સ્ટાફનો ચૂંટણી પ્રક્રિયા કરવા માટે આત્મવિશ્વાસ વધે તે માટે સૈદ્ધાંતિક તાલીમની સાથે ઇવીએમ હેન્ડ્સ ઓન હેન્ડ એટલે કે પ્રેક્ટીકલ તાલીમ પર ખૂબ ભાર આપી રહ્યું છે. પારદર્શક અને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે પોલિંગ સ્ટાફમાં ટેકનીકલ બાબતની પણ વ્યાપક સમજ વિકસે તે પણ ખૂબ જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું કે, ચૂંટણીની પોલિંગ સ્ટાફના ખંભા ઉપર ખૂબ મોટી જવાબદારી હોય છે. ક્ષતિરહિત ચૂંટણી પ્રક્રિયા માટે પોલિંગ સ્ટાફમાં ચૂંટણી માટેની સંપૂર્ણ સજ્જતા કેળવાઈ તે ખૂબ આવશ્યક છે.દેશભરમાં આશરે ૧૦.૫૦ લાખ મતદાન મથકો અને ૫૦ લાખથી વધુનો પોલિંગ સ્ટાફ છે, તેમ જણાવતા શ્રી સંજીવ કુમારે કહ્યું કે, લોકશાહીને મજબૂત અને આગળ વધારવામાં પોલિંગ સ્ટાફની ખૂબ મહેનત અને યોગદાન રહ્યું છે. તેમણે પોલિંગ સ્ટાફની સરહાના કરવાની સાથે ચૂંટણી પંચ વતી તેમનો આભાર પણ પ્રગટ કર્યો હતો ઈસીઆઈના સચિવશ્રીની સાથે પધારેલા ઈવીએમના નોડલ ઓફિસરશ્રી બી. થેઈલેવેલે પણ પોલિંગ સ્ટાફનું જરૂરી માર્ગદર્શન કર્યું હતું.જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું કે, ભારતીય ચૂંટણી પંચની નવીન પહેલરૂપે ખાસ કરીને ઇવીએમની હેન્ડ્સ ઓન હેન્ડ એટલે કે પ્રત્યક્ષ તાલીમ ઉપર ભાર મૂકી રહ્યું છે. તે ઉપરાંત અન્ય નવી પહેલમાં મોકપોલ, દર બે કલાકના મતદાનના આંકડા સહિતના ડેટા હવે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની એક મોબાઇલ એપ્લિકેશન મારફતે જ મતદાન મથકેથી અપલોડ કરવાના રહેશે.તેમણે કહ્યું કે, ભારતીય ચૂંટણી પંચે મતદાન મથકના પ્રવેશ દ્વારથી રાજકીય પક્ષો કે ઉમેદવારોએ જે બુથ રાખવા માટે ૨૦૦ મીટરથી દૂર રાખવાની જોગવાઈ હતી, તેમાં પરિવર્તન કરીને હવે ૧૦૦ મીટર સુધીમાં ઉમેદવારો બુથ કરી ઉભા કરી શકશે.જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ઈસીઆઈની આ પહેલને આવકારદાયક ગણાવાની સાથે તેનો દેશમાં પ્રથમવાર અહીંથી શરૂ થઈ રહી છે, તેનો પણ આનંદ વ્યક્ત કર્યો હતો આ તકે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટેના નોડલ ઓફિસરશ્રી કે.વી.બાટી, શ્રી કે.પી.ગોહિલ, શ્રી કિસન ગરચર, શ્રી ચરણસિંહ ગોહિલ, સુશ્રી મીરાબેન સોમપુરા, વિસાવદરના પ્રાંત અધિકારીશ્રી સી.પી.હિરવાણીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા