ભરૂચ: નર્મદા કોલેજ નજીક બેફામ દોડતા ડમ્પર ચાલક મહિલાને અડફેટે લેતા મોત નિપજ્યું
સમીર પટેલ, ભરૂચ
ભરૂચના શુકલતીર્થ રોડ પર સર્જાયો વધુ એક અકસ્માત
નર્મદા કોલેજ નજીક બેફામ દોડતા ડમ્પર ચાલક મહિલાને અડફેટે લેતા મોત નિપજ્યું
બેફામ દોડતા ડમ્પર ચાલકો સામે લોકોમાં રોષ
ભરૂચ ઝાડેશ્વર ચોકડીથી શુકલતીર્થ જવાના રોડ પર રેતી ભરેલાં ડમ્પરો માતેલા સાંઢની માફક દોડી રહયાં છે. ગુરૂવારે મોડી સાંજે નર્મદા કોલેજ પાસે પુરઝડપે આવી રહેલાં ડમ્પરના ચાલકે મોપેડને ટકકર મારતાં 53 વર્ષીય મહિલાનું મોત થયું હતું. શુકલતીર્થ તથા આસપાસના ગામોમાં આવેલી લીઝોમાંથી નીકળતી રેતી ભરેલી ટ્રકોને ડ્રાઇવરો બેફામ રીતે ચલાવતાં હોવાથી નિર્દોષ લોકો જીવ ગુમાવી રહયાં છે. ઝાડેશ્વરની માનસનગર સોસાયટીમાં રહેતાં 53 વર્ષીય દીનાબેન કાચા કામ માટે તવરા ગામે મોપેડ લઇને ગયાં હતાં. તેઓ મોપેડ પર પરત ઘરે આવી રહયાં હતાં તે સમયે નર્મદા કોલેજ સામે ડમ્પરને તેમને ટકકર મારી હતી. ગંભીર રીતે ઘવાયેલાં દીનાબેનનું સ્થળ પર જ મોત થયું હતું. આસપાસથી લોકો દોડી આવતાં ડ્રાઇવર ડમ્પર મુકી ભાગી છુટયો હતો. બનાવના પગલે શુકલતીર્થ રોડ પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. સ્થાનિકોએ બેફામ દોડતાં ડમ્પરો પર અંકુશ લાદવામાં આવે તેવી માગણી કરી હતી.