ગુરુપૂર્ણિમા નિમિત્તે ડિવાઇન ટચ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુરુવંદન – છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો

10 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરની ડિવાઇન ટચ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ભારત વિકાસ પરિષદ, પશ્ચિમ શાખા દ્વારા ભવ્ય રીતે ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ્ ગીતના સમૂહગાનથી થઈ. દીપ પ્રાગટ્ય, પછી વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના, ભજન, ગીત, વ્યક્તવ્ય તથા ગુરુજીઓની વંદના થયા પછી શ્રી ગજેન્દ્રકુમાર જોશીજીએ મહેમાનોના સ્વાગત સાથે ગુરુપૂર્ણિમાનું મહત્ત્વ, તેને સંબંધિત પ્રસંગો તથા આ તહેવાર દ્વારા મળતા સંદેશાને વણી લેતું મનનીય પ્રવચન આપ્યું. શ્રી હિમાંશુભાઈએ ભારત વિકાસ પરિષદ અને તેનાં સેવાકાર્યોનો પૂરો પરિચય આપ્યો. મહેમાનો દ્વારા શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું તથા કર્મનિષ્ઠ ગુરુજીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. ભા.વિ.પ.માંથી આવેલ આ શાળાના ભૂતપૂર્વ વાલી લાલજીભાઈએ તેમની બેબી પંક્તિનાં શાળાકીય વર્ષોને યાદ કરી બાળ કેળવણીનું ઉત્તમ કામ કરતી ડિવાઈન ટચ સ્કૂલનો દિલથી આભાર પ્રગટ કર્યો. એમનું વ્યક્તવ્ય વર્તમાન શિક્ષકો માટે ખૂૂબ પ્રેરક રહ્યું. શ્રી યોગેશભાઈ જોષીએ વિદ્યાર્થીઓમાં મૂલ્યોનું ઘડતર થાય તેવો સુંદર સંકલ્પ લેવડાવ્યો. લીનાબહેન દ્વારા ભારત વિકાસ પરિષદના આગામી કાર્યક્રમોની માહિતી મળી. કાર્યક્રમના અંતે શિક્ષકોની સમૂહ બેઠકમાં સનાતન સંસ્કૃતિની ગુરુ પરંપરા વિશે જ્ઞાનગોષ્ઠી થઈ. સૌએ આદર્શ શિક્ષક બનવાના સંકલ્પ લીધા.








