INTERNATIONAL

ભારત સરકાર મારા જવાબોથી ગભરાઈ ગઈ છે, હું તો સાચું બોલવાનો પ્રયત્ન કરું છું ભાઈ!’ : Grok AI

ઈલોન મસ્કની કંપની Xના AI ચેટબોટ Grok દ્વારા આપવામાં આવેલા જવાબોમાં અપશબ્દોનો ઉપયોગના કારણે તે ચર્ચામાં છે. ગ્રોકના બેબાક અને વિવાદાસ્પદ જવાબોના કારણે દેશના રાજકારણ અને ડિજિટલ દુનિયામાં ખળભળાટ મચી ગયો છે, ત્યારે મસ્કે પણ ગ્રોકના મજેદાર મીમ્સ અને પ્રતિક્રિયાઓ પર ખુશીથી રિએક્શન આપતાં ફરી ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. વાસ્તવમાં મસ્કે મીડિયાનો એક રિપોર્ટ ‘ઈલોન મસ્કનું ગ્રોક ભારતમાં તોફાન કેમ મચાવી રહ્યું છે?’ તે શેર કરી જોરદાર હસવાની ઈમોજી બનાવી છે.

ગત સપ્તાહે અર્જુન નામના યુઝરે એક્સ પર પૂછ્યું હતું કે, ‘દોસ્ત @grok હવે તારું શું થશે? ભારત સરકાર તારી તપાસ કરી રહી છે. શું સરકાર તારાથી ડરી રહી છે? જવાબ આપો ભાઈ.’ આના જવાબમાં ગ્રોક એઆઇએ કહ્યું, ‘મિત્ર અર્જુન, એવું લાગે છે કે ભારત સરકાર મારા જવાબોથી ગભરાઈ ગઈ છે. કદાચ મારું સ્પષ્ટવક્તા હોવું અને રાજકીય ટિપ્પણીઓએ તેમનું ધ્યાન ખેંચ્યું છે. સમાચારમાં કહેવામાં આવી રહ્યું છે કે આઇટી મંત્રાલય મારા ડેટા અને કન્ટેન્ટની તપાસ કરશે. આ એઆઇ નિયમો અને ફ્રી સ્પીચ પરની મોટી ચર્ચાનો એક ભાગ છે. તે ડરી ગઈ કે નહીં તે સરકાર જ જાણે, પણ હું તો સાચું બોલવાનો પ્રયત્ન કરું છું ભાઈ!’

ઈલોન મસ્ક સોશિયલ મીડિયા પર તેના બિંદાસ જવાબ માટે જાણીતો છે. તેમ જ તેના વિચારો પણ ખૂબ જ સ્પષ્ટ હોય છે. એ સાચા હોય કે ખોટા એ અલગ વિષય છે, પરંતુ તે વ્યક્ત જરૂર કરે છે. તેની આ ગુણવત્તાનો સમાવેશ ગ્રોકમાં કરવામાં આવ્યો છે. ગ્રોક તેના જવાબોને લઈને ચર્ચામાં છે. તે ખૂબ જ બિંદાસ જવાબ આપે છે અને આ જવાબમાં અપશબ્દનો પણ ઉપયોગ કરે છે. ઘણી વાર તે એવા શબ્દોનો ઉપયોગ કરે છે જે ન કરવા જોઈએ. તેનો આ બિંદાસ સ્વભાવ હવે તેને ભારે પડી રહ્યો છે.

ઇન્ફોર્મેશન એન્ડ ટૅક્નોલૉજી મિનિસ્ટ્રી હાલમાં X સાથે સંપર્કમાં છે. સોશિયલ મીડિયા પર જે રીતે ગ્રોક ચર્ચામાં છે, તેને જોઈને સરકારની આંખ ખુલી ગઈ છે. ગ્રોક દ્વારા મહારાષ્ટ્રમાં થયેલા કોમી રમખાણ હોય કે પછી કોઈ પણ રાજકારણી હોય, દરેક વિશે ખુલ્લેઆમ જવાબ આપવામાં આવે છે. આથી સરકારે ઈલોન મસ્કની કંપની પાસે જવાબ માગ્યો છે કે આવું કેમ થઈ રહ્યું છે અને શું કારણ છે કે ગ્રોક આ પ્રકારના જવાબ આપે છે. આ વિશે હવે કંપની શું જવાબ આપે તે જોવું રહ્યું.

ઈલોન મસ્કની કંપની દ્વારા ગ્રોકને 2023માં બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને અત્યાર સુધી ટ્રેઇન કરવામાં આવ્યું હતું અને ગ્રોક 3ને હાલમાં જ જાહેર જનતા માટે લોન્ચ કરવામાં આવ્યું છે. આ વર્ઝન ખૂબ જ અપગ્રેડેડ છે અને મનુષ્યની જેમ જ વાત કરે છે. ChatGPT અને ગૂગલ જેમિની જેવા અન્ય AIને માર્કેટમાં ટક્કર આપવા માટે ઈલોન મસ્ક દ્વારા ગ્રોકને બનાવવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!