GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ માટે ગુરુકુલ વિદ્યામંદિર,સૂપાની અનોખી પહેલ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી,તા.૩૦: વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ની ઉજવણીના અનુસંધાનમાં, ગુરુકુલ વિદ્યામંદિર, સૂપા ખાતે ‘પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ’ના સંકલ્પ સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે તમામ કર્મચારીઓએ પ્રતિજ્ઞા લીધી હતી. ૨૨ મે ૨૦૨૫થી ૫ જૂન ૨૦૨૫ સુધી વિશિષ્ટ કાર્યક્રમોની શ્રેણી યોજાઈ રહી છે. ત્યારે પ્લાસ્ટિક પ્રદૂષણને અટકાવવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે જાગૃતિ ફેલાવવાના હેતુસર ગુરુકુલ વિદ્યામંદિર, સૂપા ખાતે આ અભિયાન હેઠળ રોજિંદી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શ્રેણીની અંદર, આજરોજ વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુરુકુલ પરિવારના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને કર્મચારીઓએ મળીને “પ્લાસ્ટિક મુક્ત ગુરુકુલ”નું સ્વપ્ન સાકાર કરવા પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમ દરમિયાન “End Plastic Pollution at the Global Level” જેવી વૈશ્વિક થીમને અનુરૂપ રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિકના એકત્રિત કરેલા જથ્થાનું યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. સાથે જ નદીના કિનારાની સફાઈ, બજારમાં કપડાના થેલાના ઉપયોગ માટે જાગૃતિ, તેમજ પેકેજ્ડ ફૂડ અને પાણીની બોટલ માટે વિકલ્પોની માહિતગાર પ્રવૃત્તિઓ યોજાઈ હતી.

આ સમગ્ર કાર્યક્રમશ્રેણીની પૂર્ણાહુતિ પાંચમી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસના રોજ સમારોહ રૂપે કરવામાં આવશે. ત્યાર સુધી દરરોજ અલગ અલગ સંદેશાવાહક પ્રવૃત્તિઓ તેમજ જાગૃતિના કાર્યક્રમો થકી સમગ્ર ગુરુકુલ કેમ્પસમાં પર્યાવરણ માટે દ્રઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવશે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે કેમ્પસ ડાયરેક્ટર આચાર્ય ડૉ. ચંદ્રગુપ્ત, આશ્રમ અધ્યક્ષ શ્રી સુરેશભાઈ રત્નાણી તથા માધ્યમિક શાળાના આચાર્ય શ્રી પરેશ દેસાઈએ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. આચાર્ય પરેશ દેસાઈએ જણાવ્યું કે, “આ અભિયાન એક દિવસ પૂરતું ન રહી જાય તે માટે ગુરુકુલ ભવિષ્યમાં પણ શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા પ્લાસ્ટિક વિરોધી જાગૃતિ ફેલાવશે.”

આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી જયેશભાઈ ચૌધરીએ ગુરુકુલના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને સમગ્ર અભિયાન માટે શુભકામનાઓ પાઠવી હતી. ગુજરાત ગુરુકુલ સભાના પદાધિકારીઓ દ્વારા પણ ગુરુકુલના પ્રયાસોને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. આવનાર પેઢી માટે શુદ્ધ અને સ્વસ્થ પર્યાવરણ રચવાના મક્કમ ઇરાદાથી ગુરુકુલ વિદ્યામંદિર, સૂપા – એક દ્રઢ સંકલ્પ સાથે ‘પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ’ તરફ આગળ વધી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!