વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વાસુર્ણા ખાતે આવેલા તેજસ્વિની સંસ્કૃતિ ધામ ખાતે લાયન્સ ક્લબ ચીખલી દ્વારા એક વિશાળ સેવા મેગા પ્રોજેક્ટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યુ હતુ.આ પ્રોજેક્ટ અંતર્ગત સંસ્કૃતિ ધામ તેમજ આસપાસના અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓ અને સ્થાનિક સમુદાય માટે અનેક મહત્વપૂર્ણ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે.જે સમાજસેવા પ્રત્યેની ક્લબની પ્રતિબદ્ધતા દર્શાવે છે.તેજસ્વિની સંસ્કૃતિ ધામ વાસુર્ણાનાં બ્રહ્મવાદિની હેતલદીદીના માર્ગદર્શન અને તેજસ્વિની આશ્રમધામનાં બહેનોના સક્રિય સહયોગથી આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સુસંગઠિત અને સફળ રીતે સંપન્ન થયો હતો.આ કાર્યક્રમનું મુખ્ય ફોકસ તેજસ્વિની આશ્રમધામ ખાતેની કાયમી પાણીની સમસ્યાના નિરાકરણ માટે રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટને કાર્યાન્વિત કરવાનુ હતુ. લાયન કલબનાં જીતુભાઈ દેસાઈએ DC તરીકે આ કાર્યમાં સંપૂર્ણ વ્યવસ્થાનું માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડી નોંધપાત્ર યોગદાન આપ્યુ હતુ.આ ઉપરાંત, આસપાસના ઝાવડા આશ્રમશાળા, કાલીબેલ આશ્રમશાળા અને વઘઈના પ્રકૃતિ છાત્રાલયમાં ₹30,000 થી વધુ કિંમતની નોટબુકનો જથ્થો તથા સેનેટરી પેડનાં જથ્થાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.વિદ્યાર્થીઓના શિક્ષણ અને આરોગ્ય બંને માટે ઉપયોગી એવી આ સામગ્રીનું વિદ્યાર્થીઓ દ્વારા આનંદપૂર્વક સ્વીકાર કરવામાં આવ્યો હતો.ડિસ્ટ્રિક્ટ તરફથી મળેલી ૩૦ કીટ (દરેક ₹500 ની કિંમતની) અનાજ, કઠોળ, ચોખા, તેલ અને અન્ય જરૂરી સામગ્રીથી ભરેલી હતી,જે વાસુર્ણા આશ્રમધામ અને નજીકના વિસ્તારોમાં વિધવાઓ તથા જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવી હતી.આ સેવા કાર્યમાં લાયન રાજુભાઈ, શ્રેણીબેન અને ધર્મેશભાઈ કાપડિયા અને તેમના પરિવારે ભારત સેવા આશ્રમ સંઘ, ગંગપુર ખાતેના વિદ્યાર્થીઓ માટે ₹70,000 નું વિશેષ અનાજ દાન આપીને ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ હતુ.ડૉ.ભદ્રેશભાઈ નાયકના હસ્તે વાસુર્ણાના વિદ્યાર્થીઓને ભણતર કીટ, દેશી હિસાબ અને સ્લેટ પેનનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.આ ઉપરાંત, બિસ્કિટ અને વેફર જેવી નાની વસ્તુઓ પણ વહેંચવામાં આવી હતી, જેણે બાળકોના ચહેરા પર ખુશી લાવી દીધી હતી.લાયન્સ ક્લબ ચીખલીના પ્રમુખ રવિ ભટ્ટના નેતૃત્વમાં, તથા પ્રોજેક્ટ ચેરમેન ડૉ. શરદભાઈ પટેલ અને વંદનાબેન પટેલના દૃઢ સંકલન અને આયોજન હેઠળ આ કાર્યક્રમ સફળ રીતે સંપન્ન થયો હતો.સમગ્ર આયોજન ડિસ્ટ્રિક્ટ ગવર્નર પરેશભાઈ પટેલના માર્ગદર્શન અને ઝોન ચેરમેન લાયન નરેન્દ્રભાઈ પટેલના પ્રોત્સાહનથી વધુ મજબૂત બન્યો હતો.આ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો, દાતાઓ તથા સ્વયંસેવકોના સહયોગથી લાયન્સ ક્લબ ચીખલીએ સમાજસેવામાં પોતાની પ્રતિબદ્ધતા દાખવી છે.તેજસ્વિની ધામ પરિવારે લાયન્સ ક્લબ ચીખલીના તમામ સભ્યોનો હાર્દિક અભિનંદન અને આભાર વ્યક્ત કર્યો હતો.આ આયોજને અંતરિયાળ વિસ્તારના વિકાસ માટે આશાની નવી રેખા ઊભી કરી છે..