વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ,તા-૦૭ સપ્ટેમ્બર : “હું કઈ શીખવતો નથી, એવા સંજોગો પેદા કરું છું, જેમાં બાળક શીખે છે”.- શિક્ષક અનિલભાઇ રાઠોડ”શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ” – ચાણક્યની આ પંક્તિને સાર્થક કરનાર શિક્ષકોમાં રણની કાંધીએ બંધડી, નેર અમરસર વિસ્તારમાં શિક્ષણ માટે પ્રયત્ન કરનારા અનિલભાઈ કોદરભાઇ રાઠોડ છેલ્લા ૧૮ વર્ષથી શિક્ષણક્ષેત્રે કાર્યરત છે. આ શિક્ષણસેવામાં તેમણે ભચાઉ તાલુકાના બંધડી ગામની પ્રાથમિક શાળાને નંદનવન બનાવવા સાથે અહીંના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ ઇનોવેશન કરતા તેઓને ૫ સપ્ટેમ્બર શિક્ષક દિનના શ્રેષ્ઠ શિક્ષક માટેના રાજ્ય પારિતોષિકની સન્માનિત કરવામાં આવ્યા હતા. અનિલભાઇ રાઠોડ શાળાના વિકાસ અને બાળકોના શિક્ષણ માટે ઉત્તમ અને આયોજનબદ્ધ કાર્ય કરેલ છે. શાળાના આચાર્યનો ચાર્જ લેતા જ તેમણે શાળાને નંદનવન બનાવવાના પ્રયત્નો અંતર્ગત ગામ અને દાતાશ્રીઓના સહયોગથી શાળા માટે જમીન દાનમાં મેળવી સમગ્ર શિક્ષાના સહયોગથી નવી શાળાનું નિર્માણ કરાવ્યું. શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ, રમતોત્સવ, ગણિત – વિજ્ઞાન પ્રદર્શન વગેરે પ્રવૃત્તિઓમાં બાળકોને સામેલ કરી સપ્તરંગી શિક્ષણની શરૂઆત કરી, છેલ્લા નવ વર્ષથી શાળામાં દાતાશ્રીઓના સહયોગથી વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે. શાળા અને બાળકોના વિકાસ અંગે અનિલભાઇ જણાવે છે કે, “હું કઈ શીખવતો નથી, એવા સંજોગો પેદા કરું છું, જેમાં બાળક શીખે છે” બંધડી પ્રાથમિક શાળામાં “મારું ગામ, વિદ્યાધામ”, પ્રૉજેક્ટથી વાલીઓનો સહયોગ, “મારી જાદુઈ શાળા” અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓથી વાર્ષિકોત્સવ કાર્યક્રમની ઉજવણી, “શૂરવીર શુક્રવાર” દ્વારા શૂરવીરોનાં જીવન મૂલ્યોની બાળકોમાં સમજ, CCRT ન્યુ દિલ્હીના સહયોગથી “કચ્છ વિરાસત કલ્ચર કલબ” દ્વારા કચ્છની સંસ્કૃતિને દેશના ખૂણે – ખૂણે પહોંચાડી, “પુસ્તક પરબ” ઇનોવેશન દ્વારા બાળકોમાં વાંચનમાં રસ અને રુચિનો વિકાસ, “ભારતની ભવ્યતા મારા વર્ગમાં ” ઇનોવેશન દ્વારા ભારતના ભવ્ય વારસાની સમજ વગેરે જેવાં શાળા કક્ષાએ વિવિધ ઈનોવેશન કર્યા છે.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગામના સહયોગથી શાળામાં વોટરકૂલર, શૈક્ષણિક કિટ, યુનિફોર્મ અને સ્વેટર વિતરણ, સ્માર્ટ વર્ગ માટે બેન્ચ, શાળાના મેદાન અને બગીચા માટે માનવ સંસાધનોનો અને ગામના સહયોગથી વિકાસ કરેલ છે. શાળાની વિજ્ઞાન મેળો, કલા ઉત્સવમાં તાલુકાકક્ષા સુધી સક્રિય ભાગીદારી રહી છે. CET અને NMMS પરીક્ષામાં બાળકો ઉત્તમ પરિણામ હાંસલ કરી રહ્યા છે. હાલ જિલ્લાકક્ષાએ સામાજિક વિજ્ઞાનના રિસોર્સ પર્સન અને KRP તરીકે કામગીરી કરવા સાથે વિદ્યાસહાયક મોડ્યુલ નિર્માણ કામગીરી, સાંસ્કૃતિક ધરોહર તાલીમ તજજ્ઞ, નિષ્ઠા તાલીમ અને જિલ્લાકક્ષાએ કચ્છ વિરાસત કલ્ચર કલબના સહયોગથી અન્ય શાળામાં પણ કલ્ચર ક્લબની કામગીરી કરવામાં આવી છે. હાલમાં ભચાઉ તાલુકાના નેર, અમરસર, અને બંધડી ગામ વચ્ચે ધોરણ ૯ અને ૧૦ ના શિક્ષણ માટે ગામના સહયોગથી સરકારી હાઇસ્કૂલના નિર્માણ માટે પ્રયત્ન શરૂ છે.આ ઉપરાંત તેઓ કેન્દ્ર કક્ષાએ CCRT હૈદરાબાદ, CCRT – યુ દિલ્હી, CCRT ઉદયપુર અને ભારતનાં તમામ રાજ્યોના કલ્ચર ક્લબના મેમ્બર તરીકે દેશ કક્ષાએ કાર્ય કરતા અનિલભાઇએ કોરોના સમયમાં મોબાઇલ કે ટી.વી. ના ધરાવતા બાળકો માટે “ભાઈબંધની શાળા” પ્રોજેક્ટ અમલી બનાવી શિક્ષણ આપવાનો પ્રયત્ન કરેલો જેની જિલ્લાકક્ષાએ નોંધ લેવામાં આવી હતી. શાળામાં ગ્રીન સ્કૂલ અંતર્ગત બાલવાટિકા બનાવવામાં આવેલી છે. વર્ષ ૨૦૨૨ માં “પુસ્તક પરબ” નામનો પ્રોજેક્ટ જિલ્લા કક્ષાએ રજૂ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તેમની શૈક્ષણિક અને સામાજિક કામગીરીને બિરદાવવા ઘણી સંસ્થાઓએ એવોર્ડ અને સન્માનપત્રથી સન્માનિત કર્યા છે. જેમાં તાલુકા કક્ષાએ “તાલુકા શ્રેષ્ઠ શિક્ષક”, “વિદ્યોતેજક” એવોર્ડ વગેરે પુરસ્કારોથી સન્માનિત થયા છે.