Rajkot: “૦૫ સપ્ટેમ્બર : રાષ્ટ્રીય શિક્ષક દિવસ” રાજ્યકક્ષાએ ‘શ્રેષ્ઠ શિક્ષક’ના એવોર્ડથી સન્માનિત થશે માખાવડ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી અનિલકુમાર વૈશ્નાણી
તા.૫/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન : માર્ગી મહેતા
આ એવોર્ડ મારા માટે ૩૪ વર્ષ દરમિયાન કરેલી તપશ્ચર્યાની ફળશ્રુતિ સમાન છે : શ્રી અનિલકુમાર
ચુંબકના સિદ્ધાંત પર કાર્ય કરતાં ‘શક્તિમાન’ સહિત વર્કિંગ ટોય્ઝ બનાવ્યા : પોસ્ટ કાર્ડ પર ૫૮૦ જેટલા વ્યક્તિ-શબ્દ ચિત્રો દોરવા બદલ લંડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
Rajkot: દેશમાં દર વર્ષે તા. ૦૫ સપ્ટેમ્બરે ‘રાષ્ટ્રીય શિક્ષક દિવસ’ ઉજવાય છે. શિક્ષક એટલે જીવનની કેડી પર જ્ઞાનનું અજવાળું પાથરનાર. શિક્ષક એવો દીપ છે જે અંધકારને દૂર કરીને ઉજાસ પાથરે છે. બાળકનું જીવન કોરી પાટી જેવું હોય છે અને શિક્ષક એ પાટી પર સુંદર ભવિષ્યને કંડારે છે. આવા જ બહુમુખી પ્રતિભા ધરાવતા શિક્ષક છે શ્રી અનિલકુમાર વૈશ્નાણી. જેમણે બાળકોને માત્ર ચોપડીયું જ્ઞાન આપવાને બદલે તેમના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હાલમાં રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાની માખાવડ પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી અનિલકુમારને ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે રાજ્યકક્ષાએ ‘શ્રેષ્ઠ શિક્ષક’નો એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવનારા છે.
શ્રી અનિલકુમાર વૈશ્નાણીના માર્ગદર્શન હેઠળ તેમની સેવાકાલીન શાળાઓના બાળકોએ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ૨૧ વાર તાલુકા, ૧૬ વાર જિલ્લા અને ૦૨ વાર રાજ્ય કક્ષાએ ભાગ લઈને શાળાનું નામ રોશન કર્યું છે. વર્ષ ૧૯૯૩થી વર્ષ ૧૯૯૮ દરમિયાન અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં શ્રી અનિલકુમાર અને તેમની ટીમે વ્યસનમુક્તિ અભિયાન ચલાવ્યું હતું. શ્રી અનિલકુમારે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ધો. ૦૩થી ધો. ૦૮ના વિદ્યાર્થીઓ માટે પ્રોજેક્ટ પ્રવૃત્તિ નિમિત્તે પુસ્તક નિર્માણ કાર્યશાળામાં ફાળો આપ્યો હતો, તેમજ તેમણે પ્રજ્ઞા તાલીમમાં માસ્ટર ટ્રેનર તરીકે પણ ફરજ નિભાવી હતી.
આ ઉપરાંત, શ્રી અનિલકુમારે વર્ગખંડ કાર્યને જીવંત બનાવવા શિક્ષણમાં નવીનતા લાવવાના પ્રયાસો કર્યા છે. તેમના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૦૩માં રામાનુજન મેથ્સ ક્લબ આયોજિત રાજ્ય ગણિત મહોત્સવમાં ગાણિતિક મોડેલ્સ રજૂ કર્યા હતાં. વર્ષ ૨૦૦૫માં ‘પરંપરાગત વેશભૂષા સાથે નાટ્યકરણ’ ઇનોવેશન માટે તેમને આઇ.આઇ.એમ. દ્વારા ‘સર રતન ટાટા એજ્યુકેશનલ ઇનોવેશન ટીચર નેશનલ એવોર્ડ’ મળ્યો, સાથેસાથે તેમણે ‘પ્રાચીન-અર્વાચીન ચલણી સિક્કાનો ઇતિહાસ – શિક્ષણમાં ઉપયોગ’ (૨૦૨૨-‘૨૩), ‘સ્વનિર્મિત શબ્દ ચિત્રો અને વ્યક્તિ ચિત્રોની અનોખી ઓળખ’ (૨૦૨૩-‘૨૪) અને ‘નિપુણ ભારત વર્કિંગ રમકડાં’ (૨૦૨૪-‘૨૫) જેવા ઇનોવેશન્સને પણ જિલ્લા અને ઝોન કક્ષાએ રજૂ કર્યા હતાં.
વધુમાં, શ્રી અનિલકુમારે લોકસહયોગથી વિવિધ શાળાઓમાં પ્રોજેક્ટર, સી.ડી.-ડી.વી.ડી. પ્લેયર, સ્ટીલ કબાટ, લાઇબ્રેરી માટે પુસ્તકો, ખુરશી – ટેબલ, વોટરકુલર, શૈક્ષણિક સાધનો, સિમેન્ટના બાંકડા, લોખંડની ગ્રીલ જેવી સવલતો કરાવી આપી છે. તેમણે રાજ્ય ચિત્રકલા પરીક્ષા, વિજ્ઞાન ગુર્જરીની નિબંધ લેખન, કલા મહોત્સવ, ભારત કો જાનો પ્રશ્ન મંચ, રાષ્ટ્રીય સમુહ ગાન, રાષ્ટ્રીય વેશભૂષા, ગુરુ વંદન – છાત્ર અભિનંદન જેવી વિવિધ સ્પર્ધાઓમાં બાળકોને જોડાવા માટે પ્રોત્સાહિત કરીને તેમનામાં ખેલદિલીની ભાવના સંચારિત કરી છે, તેમજ વર્ષ ૨૦૨૦માં જી.આઇ.ઈ.ટી. આયોજિત બાલગીત સ્પર્ધામાં રાજ્યકક્ષા સુધી સફળતા પ્રાપ્ત કરી છે.
શ્રી અનિલકુમાર દિવ્યાંગ સહાય કેમ્પ, મેડિકલ સાધન સહાય કેન્દ્ર, હોમિયોપેથી ક્લિનિક, ટ્રાઇસિકલ અર્પણ, રાહત દરે ચોપડા, ફટાકડા, પતંગ, મીઠાઈ વિતરણ જેવા સેવાકીય કાર્યોમાં યોગદાન આપે છે. બાલસૃષ્ટિ, સંદેશ સંસ્કાર પૂર્તિ, જીવન મૈત્રી, મૈત્રી સ્પંદન, ઉમિયા પરિવાર જેવા સામાયિકોમાં તેમના સાત જેટલા શૈક્ષણિક લેખ પ્રકાશિત થયા છે. આ સાથે વૃક્ષપ્રેમ સંસ્થા આયોજિત શિક્ષકો માટે ઓપન સૌરાષ્ટ્ર નિબંધ લેખન સ્પર્ધામાં તેમણે પ્રથમ સ્થાન મેળવ્યું છે.
નોંધનીય છે કે, શ્રી અનિલકુમારને વર્ષ ૨૦૨૪માં જિલ્લાકક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પ્રાપ્ત થયો હતો, તેમજ તેમણે સામાજિક સંસ્થાઓ તરફથી પણ એવોર્ડ મેળવેલાં છે. રાજ્યકક્ષાએ ‘શ્રેષ્ઠ શિક્ષક’ના બહુમાનની ખુશી સાથે તેઓ જણાવે છે કે, આ એવોર્ડ મારા માટે ૩૪ વર્ષ દરમિયાન કરેલી તપશ્ચર્યાની ફળશ્રુતિ સમાન છે, જે બદલ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર.
શક્તિમાન રમકડું અને લંડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ
શ્રી અનિલકુમારે ‘શક્તિમાન’ નામનું રમકડું બનાવ્યું છે, જે ચુંબકના આકર્ષણ-અપાકર્ષણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. શક્તિમાન વિવિધ વિષયવસ્તુઓના બનાવેલા કાર્ડની મદદથી પ્રશ્નોના સાચા જવાબોને જોડે છે. આ રમકડાંએ જિલ્લાકક્ષાથી પ્રારંભ કરીને રાષ્ટ્રીયકક્ષાનાં રમકડાં મેળા સુધીની સફર કરીને શાળાની સાથે જિલ્લા અને રાજ્યનું પણ ગૌરવ વધાર્યું છે. તેમણે ગયા વર્ષે ધો. ૦૧ના ભુલકાંઓ માટે પ્રાણી, પંખી અને જીવજંતુના ૧૦૦ જેટલાં વર્કિંગ ટોય્ઝ બનાવીને તેમની મૌખિક અભિવ્યક્તિનો વિકાસ કર્યો છે. એટલું જ નહીં, તેમણે વિવિધ વિષયના શિક્ષણકાર્ય માટે ૫૮૦ જેટલા વ્યક્તિ ચિત્રો અને શબ્દ ચિત્રોનું પોસ્ટ કાર્ડ પર નિર્માણ કર્યું છે, જેને લંડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે.