કલેક્ટર સુજિત કુમારની અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સુજિત કુમારની અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ, જેમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યોએ પોતાના મતવિસ્તારમાંના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા.
કલેક્ટરે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપતાં જણાવ્યું કે ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા અને પ્રત્યેક કામ સત્વરે પૂર્ણ કરવા કાર્યવાહી કરવી જરૂરી છે.
ગ્રામ્ય વિસ્તારો માટે મુદ્દા
બેઠકમાં ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યો અને જિલ્લા પંચાયત પ્રમુખે વિરમગામ, ધોળકા, સાણંદ સહિતના તાલુકા અને નગરપાલિકાઓમાં સફાઈ વ્યવસ્થા, ગેરકાયદે દબાણ દૂર કરાવવાના મુદ્દા, રસ્તાઓ પહોળા કરવા, ચાલુ કામો ઝડપથી પૂર્ણ કરવા, એસ.ટી. બસ સ્ટોપેજ અને આધાર અપડેશન કિટની સુવિધા ઉપલબ્ધ કરાવાના પ્રશ્નો રજૂ કર્યા.
શહેરી વિસ્તારો માટે પ્રશ્નો
શહેરના ધારાસભ્યોએ ગેરકાયદે દબાણ દૂર કરવા, હાઉસિંગ બોર્ડ સંબંધિત સમસ્યાઓ, પ્રોપર્ટી કાર્ડ સુધારા, મતદાર સહાયતા કેન્દ્રોની સુવિધા, નવી પોલીસ ચોકીઓ અને કાયદો અને વ્યવસ્થાના કડક અમલ અંગે રજૂઆતો કરી. ઉપરાંત, ગટર અને સેનિટેશનની સમસ્યાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી.
પદાધિકારીઓની ઉપસ્થિતિ
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબેન વાઘેલા, ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, અમિત શાહ, હર્ષદભાઈ પટેલ, દિનેશસિંહ કુશવાહ, કૌશિકભાઈ જૈન, જિતેન્દ્રભાઈ પટેલ (ભગત), દર્શનાબેન વાઘેલા, અમૂલ ભટ્ટ, બાબુભાઈ જાદવ, હાર્દિક પટેલ, ઇમરાન ખેડાવાલા ઉપસ્થિત રહ્યા.
જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ, નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર, અધિક નિવાસી નાયબ કલેક્ટર હાર્દ શાહ સહિત સંકલન સમિતિના અધિકારીઓ અને પદાધિકારીઓએ બેઠકમાં હાજરી આપી અને વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે ચર્ચા કરી.