
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગના વર્લ્ડ વિઝન ઇન્ડિયા દ્વારા તાજેતરમા વઘઈ સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે વઘઈના તાલુકા વિકાસ અધિકારી શ્રી સી.આર.પઢિયારની ઉપસ્થિતમા સગર્ભા અને ધાત્રી માતાઓને ‘ડ્રાય રેશન કીટ’ નુ વિતરણ કરાયુ હતુ.
ડ્રાય રેશન કીટ’ કે જેમા બે પ્રકારની દાળ, નાગલી, ગોળ, ચોખા, ખાવાનુ તેલ અને સીંગદાણા જેવા ખાદ્ય પદાર્થો વર્લ્ડ વિઝન ઇન્ડિયાના વઘઈ તાલુકાના કાર્યવિસ્તારના ૪૧ ગામો પૈકી ૧૮ ગામની ૩૭ જેટલી બહેનોને અર્પણ કરાઈ હતી.
આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત સી.આર.પઢિયારે તેમના વક્તવ્યમાં સરકારશ્રી દ્વારા કુપોષણને નાથવા માટે અનેક કાર્યક્રમો અને પ્રયાસો થતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રયાસો ટૂંકા પડે છે. વર્લ્ડ વિઝન ઇન્ડિયા દ્વારા અવાર નવાર આવા જરૂરિયાતમંદ કુટુંબો અને બાળકોને મદદ કરી સરકારશ્રીના પ્રયાસોની પૂર્તિ કરવામા આવી રહી છે, જે સરાહનિય છે. તેમણે વધુમા કહ્યુ હતુ કે તમામ બહેનો પૌષ્ટીક આહાર આરોગે, કે જેથી માતા અને બાળક તંદુરસ્ત રહી શકે અને આવા સહિયારા પ્રયત્નો દ્વારા કુપોષણ, એનિમિયા જેવી જળોને દૂર કરીએ.
વર્લ્ડ વિઝન ઇન્ડિયાના પ્રોજેક્ટ ઓફિસર શ્રી પ્રસન્ના આર. એ પણ તેમના પ્રાસંગિક વક્તવ્યમા બાળકોની તંદુરસ્તી, સુરક્ષા અને શિક્ષણ વિશે જણાવ્યુ હતુ.
સદર કાર્યક્રમમાં ડૉ. વિરાજ પટેલ આરોગ્ય શાખા, ICDSમાંથી સેવંતીબેન ઇન્ચા. CDPO, શીતલબેન અને ભૂમિકાબેન હાજર રહ્યા હતા. વર્લ્ડ વિઝન ઇન્ડિયાના પ્રોજેક્ટ ઓફિસર તથા તમામ સ્ટાફ ઉપસ્થિત રહી સગર્ભા અને ધાત્રી માતાઓને ‘ડ્રાય રેશન કીટ’ વિતરણ કરી કાર્યક્રમને સફળ રીતે પૂર્ણ કર્યો હતો.






