GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે રાજકોટ જિલ્લાના કુલ ૨,૪૧,૪૬૬ અસરગ્રસ્ત ખેડૂતોની અરજી : કુલ ૨,૩૯,૨૧૫ અરજીઓની ચકાસણી પૂર્ણ

તા.૧૮/૧૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ જિલ્લામાં અસરગ્રસ્ત ખેડૂતોને કુલ રૂ. ૬૬૫ કરોડથી વધુની રકમ ટ્રાન્સફર, અન્ય અરજીઓની ચકાસણી પ્રક્રિયા સતત શરૂ

Rajkot: કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત ખેડૂતોને ટેકો પૂરો પાડવા રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. આ અન્વયે પાક નુકસાની સહાયનો લાભ મેળવવા માટે રાજકોટ જિલ્લામાં કુલ ૨,૪૧,૪૬૬ ખેડૂતોએ અરજી કરી છે. જે પૈકી તા.૧૭ ડિસેમ્બર એટલે કે, આજદિન સુધીમાં ૨,૩૯,૨૧૫ અરજીઓની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.

રાજકોટ જિલ્લામાં અસરગ્રસ્ત ખેડૂતોને કુલ રૂ. ૬૬૫ કરોડથી વધુની રકમ ડી.બી.ટી મારફતે સીધી અરજદાર ખેડૂતના આધારલિંક બેક ખાતામાં જમા કરવામાં આવી છે. જ્યારે અન્ય ખેડૂતોની અરજી ચકાસણી પ્રક્રિયા સતત શરૂ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માટે રાજકોટ જિલ્લામાં તમામ ગ્રામ પંચાયતમાં જોગવાઈ મુજબ વી.સી.ઈ. મારફતે નુકસાનગ્રસ્ત ખેડૂતોની અરજીઓ મેળવવાની કામગીરી તા.૧૪/૧૧/૨૦૨૫થી શરૂ થઇ હતી.

આ રાહત પેકેજ અન્વયે જિલ્લાના તમામ અસરગ્રસ્ત ૬૫૨ ગામ આવરી લેવામાં આવ્યા છે. અરજદાર તરફથી રજૂ થયેલા સાધનિક પુરાવા અને વિગતોની ચકાસણીની કામગીરી ગ્રામસેવક અને તાલુકાનાં કર્મયોગીઓ દ્વારા કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાં હાલના તબક્કે ૯૯ ટકાથી વધુ અરજીઓની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. હાલ અન્ય અરજીઓની ચકાસણીની કામગીરી દિવસ રાત સતત શરૂ છે. જેમ જેમ અરજી ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થશે તેમ ત્વરાએ પાક નુકસાની સહાય પેકેજની રકમ ખેડૂતોના બેંક ખાતામાં ડી.બી.ટી મારફતે સીધી જ જમા કરવામાં આવશે. તેમ રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

વિશેષમાં જે ખેડૂતમિત્રોને આધાર સીડીંગ કરાવવાનું બાકી હોય તેઓને પોતાના બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લીંક કરાવી આધાર સીડીંગ અને ડીબીટી એનેબલ કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જેથી સહાયના નાણાં સરળતાથી ખેડૂતના ખાતામાં જમા થઈ શકે.

Back to top button
error: Content is protected !!