AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં દિગ્ગજ આદિવાસી નેતા મંગળ ગાવીત ભાજપ સાથે છેડો ફાડી ફરી કોંગ્રેસમાં જોડાયા…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આહવા ખાતે આજે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ અને ડાંગ જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા જનઆક્રોશ સભાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં મોટી સંખ્યામાં લોકો અને કૉંગ્રેસના કાર્યકરો જોડાયા હતા.

આ સભામાં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા, ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી,વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને ડાંગ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ સ્નેહલભાઈ ઠાકરે,માજી સાંસદ કિશનભાઈ પટેલ,માજી ધારાસભ્ય સુનિલભાઈ ગામીત,પુનાજી ગામીત સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સભાનો સૌથી મોટો આકર્ષણ અને કૉંગ્રેસ માટેનો ઉત્સાહવર્ધક બનાવ ડાંગ જિલ્લાના માજી ધારાસભ્ય અને દિગ્ગજ આદિવાસી નેતા મંગળભાઈ ગાવીતની ઘર વાપસી રહ્યો હતો. મંગળભાઈ ગાવીત, જિલ્લા સદસ્ય લાલભાઈ ગાવીત, તાલુકા સદસ્ય દીપકભાઈ પીંપળે, બાલુભાઈ વળવી, વસંતભાઈ તુમડા, રામજભાઈ ધૂમ સહિત ભાજપાના અન્ય કાર્યકરો અને તેમના હજારો સમર્થકોએ ભાજપાનો ભગવો છોડીને ફરી કૉંગ્રેસનો પંજો પકડ્યો હતો.અમિત ચાવડા અને તુષાર ચૌધરીએ આ નેતાઓને કૉંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતુ.આ ઘર વાપસીથી ડાંગ જિલ્લા ભાજપા સંગઠનમાં મોટું ગાબડું પડ્યું છે.અને કૉંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકાયો છે.જનઆક્રોશ સભામાં કૉંગ્રેસના નેતાઓએ ભાજપા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.કૉંગ્રેસમાં પરત ફર્યા બાદ મંગળભાઈ ગાવીતે ડાંગના ધારાસભ્ય વિજય પટેલનાં નાના ભાઈ પર ભ્રષ્ટાચારનાં ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે મનરેગા યોજના અંતર્ગત ચાલતા કામોમાં સરપંચો પાસેથી 8 ટકા જેટલી મોટી ટકાવારી લેવાતી હોવાની પોલ ખોલી હતી. તેમણે ભાજપમાં જવા બદલ ઉપસ્થિત સૌ કોઈની હાથ જોડીને માફી પણ માંગી હતી.વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલે ભાજપાને આદિવાસી વિરોધી સરકાર ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાજપા માત્ર વોટ લેવાનાં કાવતરાં કરી રહી છે અને ડાંગ જિલ્લામાં માત્ર સાંસદ અને ધારાસભ્યનો જ વિકાસ થયો છે, લોકોનો નહીં. તેમણે ડાંગમાંથી “નારંગી ગેંગ”ને ઉખેડી ફેંકવાનું આહવાન કર્યું હતું અને સત્તાધારી લોકોને ભગાડવા માટે ગિલોલ અને તીરકામઠા લઈ આગળ આવવા અનુરોધ કર્યો હતો.ડાંગ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ સ્નેહલભાઈ ઠાકરેએ આરોપ લગાવ્યો હતો કે ભાજપાએ દેશની કફોડી હાલત કરી છે અને આદિવાસીઓની ઉપેક્ષા કરી તેમની સાથે ઓરમાયું વર્તન રાખે છે. તેમણે ભાજપના રાજમાં અધિકારીઓ દ્વારા દરેક વિભાગમાંથી હપ્તા ઉઘરાવવાનો અને ડાંગ ભાજપના નેતાઓની ટકાવારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ભાજપા પર જિલ્લા પંચાયતની ઓબીસીની સીટની ચોરી કરવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપા સરકારને ગરીબ વિરોધી અને આદિવાસી વિરોધી ગણાવી હતી, જેમાં માત્ર નેતાઓનો વિકાસ થતો હોવાનું જણાવ્યું હતું. વિપક્ષ નેતા તુષાર ચૌધરી અને અમિત ચાવડાએ લોકોને વોટચોરી અંગે જાગૃત બનવા માટે આહવાન કર્યું હતું અને આગામી તાલુકા, જિલ્લા અને વિધાનસભાની ચૂંટણીઓ જીતવાનો હાંકલ કર્યો હતો.સમગ્ર સભા દરમિયાન, નેતાઓએ આરોગ્ય, શિક્ષણ સહિત અનેક સુવિધાઓની દુવિધા માટે ભાજપાને જવાબદાર ઠેરવી આકરા પ્રહારો કર્યા હતા.બોક્ષ:-(1)ડાંગ ભાજપાનાં નેતાઓએ આદિવાસીઓના મસીહા ગણાતા ગણપતભાઈ વસાવા અને અશોકભાઈ ધોરાજીયાની મહેનત પર પાણી ફેરવ્યુ છે.કારણકે જે તે સમયે ગણપત વસાવા અને અશોકભાઈ ધોરાજીયાએ ડાંગ પર પક્કડ મેળવી ભાજપાનો પાયો મજબૂત બનાવ્યો હતો.જોકે હાલમાં ભાજપામાં આંતરિક ડખાનાં પગલે માજી ધારાસભ્ય મંગળ ગાવીત,લાલ ગાવીત સહિત દિપક પીંપળેએ ભાજપનો કેસરિયો છોડી કૉંગ્રેસનો ખેસ ધારણ કરતા ડાંગ જિલ્લામાં ભાજપા સંગઠનની કામગીરી પર પ્રશ્નાર્થ સર્જાયો છે.કૉંગ્રેસની જનઆક્રોશ સભા અને મંગળભાઈ ગાવીતની વાપસીથી ડાંગમાં કૉંગ્રેસનો યુગ પાછો આવશેની ચર્ચાએ જોર પકડયું છે..

Back to top button
error: Content is protected !!