Rajkot: રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રાજકોટ ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ

તા.૧૨/૧/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
B2B અને B2G બેઠકોથી ઉદ્યોગ સાહસિકોની સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ સાથે જ રોકાણને મળશે વેગ
ગુજરાતના ગિફ્ટ સિટી, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનમાં રોકાણને લઈને ઉદ્યોગકારોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ
બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) અને બિઝનેસ-ટુ-ગવર્મેન્ટ (B2G) બેઠકો સૌરાષ્ટ્ર કચ્છના ઔદ્યોગિક વિકાસને આપશે નવી ગતિ
વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ દરમિયાન 1800 થી વધુ B2B અને B2G મીટિંગ્સનું આયોજન
Rajkot: રાજકોટ ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સૌરાષ્ટ્ર કચ્છ અંતર્ગત આજે ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપ્સ અને સરકારી વિભાગો વચ્ચે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ રહી છે. રાજકોટ ખાતેની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) અને બિઝનેસ-ટુ-ગવર્મેન્ટ (B2G) બેઠકો દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ મળશે.
રાજકોટ ખાતે વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં ઉદ્યોગ ક્ષેત્રે અત્યંત હકારાત્મક પ્રવાહ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ઉદ્યોગપતિઓ દ્વારા નવા પ્રોજેક્ટ્સમાં ભારે રસ દાખવવામાં આવી રહ્યો છે. B2B અને B2G આયોજન બાદ વિવિધ ક્ષેત્રોમાં મોટા પાયે MoU થવાની સંભાવનાઓ છે. જેના લીધે રાજકોટ, કચ્છ સહિત આસપાસના વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઊભી થશે.
ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપ વગેરે સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સીધો જ સંવાદ કરી રહ્યા છે.
રાજકોટ ખાતેની વાઈબ્રન્ટ કોન્ફરન્સમાં પ્રદર્શન વિભાગના ડોમ-૧ ખાતે ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપ વગેરે સરકારના વિવિધ વિભાગો સાથે સીધો જ સંવાદ કરી શકે તે માટે સ્ટોલ અને હેલ્પ ડેસ્ક કાર્યરત કરાયા છે. B2B અને B2G મીટિંગમાં રોકાણની શ્રેષ્ઠ તકો વિશે માહિતગાર થવા માટે ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપનો ધસારો જોવા મળ્યો હતો. આ બેઠકોના માધ્યમથી ઉદ્યોગ સાહસિકો પોતાની સમસ્યાઓ અને નવા સૂચનો સીધા જ સરકાર સુધી પહોંચાડી રહ્યા છે. આ ઉપરાંત B2B બેઠકોમાં ઉદ્યોગકારો બીજા ઉદ્યોગકારો સાથે સીધા જ બિઝનેસ ડીલ કરી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્યોગકારો એકબીજાના સહયોગથી પ્રગતિ કરે તે માટે વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ એ મહત્વનો મંચ સાબિત થઈ રહી છે.
બિઝનેસ ટુ ગર્વમેન્ટ બેઠકમાં જીઆઈડીસી, આરોગ્ય વિભાગ, ટૂરિઝમ, ગિફ્ટ સિટી, MSME અને સ્ટાર્ટઅપ પ્રમોશન, એગ્રીકલ્ચર વગેરેના વિભાગો ઉદ્યોગ સાહસિકોને સીધું જ માર્ગદર્શન આપી રહ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર-કચ્છના નાના અને મધ્યમ ઉદ્યોગોને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવામાં અસરકારક સાબિત થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ દરમિયાન 1800 થી વધુ B2B અને B2G મીટિંગ્સનું આયોજન કરવામાં આવ્યું છે.







