ઉત્તર ગુજરાત માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નો ભવ્ય પ્રારંભ : આત્મનિર્ભર ભારત અને ટકાઉ વિકાસ તરફ નવું પગલું
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
ઉત્તર ગુજરાતના વિકાસના નવા અધ્યાયની શરૂઆત સાથે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) 2025નું મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું. બે દિવસીય આ કોન્ફરન્સનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ભારત સરકારના રેલવે, સૂચના અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે ટ્રેડ શો અને એક્ઝિબિશનના ઉદ્ઘાટન સાથે થયો.
પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત, ઉદ્યોગ વિભાગની અગ્ર સચિવ મમતા વર્મા, એનર્જી વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી હૈદર, જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ તેમજ વિવિધ સરકારી અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા.
ઉદ્ઘાટન પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રદર્શનની મુલાકાત લીધી અને વિવિધ ક્ષેત્રોની નવીનતાઓ, ટેક્નોલોજી, ઉદ્યોગ વિકાસ અને સ્થાનિક ઉત્પાદનના પ્રદર્શનની માહિતી મેળવી. તેમણે જણાવ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત માત્ર રોકાણનું પ્લેટફોર્મ નથી, પરંતુ તે રાજ્યના દરેક વિસ્તારના આર્થિક, ટેકનોલોજીકલ અને સામાજિક વિકાસ માટેનું પ્રેરણાસ્ત્રોત છે.
VGRCના આ ટ્રેડ શો અને એક્ઝિબિશનમાં લગભગ 18 હજાર વર્ગ મીટરના વિશાળ ક્ષેત્રમાં કૃષિ, ખાદ્ય પ્રક્રિયા, નવીનીકરણીય ઊર્જા, મશીનરી, ઉદ્યોગ ટેક્નોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં 400થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. ટોરેન્ટ, વેલ્સ્પન, NTPC, NHPC, સુઝલોન, અવાડા, નિરમા, INOX, અદાણી, પાવરગ્રીડ, મારુતિ સુઝુકી અને ONGC જેવી અગ્રણી કંપનીઓની ભાગીદારી આ કોન્ફરન્સને વૈશ્વિક સ્તરનું બનાવે છે.
ઉદ્યોગપતિઓ અને MSME ક્ષેત્ર માટે વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (VDP)નું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દૂધસાગર ડેરી, ONGC, વેસ્ટર્ન રેલવે અને મકેન ફૂડ્સ જેવી સંસ્થાઓ જોડાઈ છે. આ કાર્યક્રમનો હેતુ ઉદ્યોગ જોડાણોને મજબૂત બનાવવાનો, નવી તકનીકી ભાગીદારી ઉભી કરવાનો અને સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં સ્થાન અપાવવાનો છે.
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના સૂત્રને અનુરૂપ છે. આ કોન્ફરન્સ માત્ર ઉદ્યોગપતિઓનો મેળો નહીં પરંતુ ગ્રામ્ય સ્તરે નવીનતા, સ્થાનિક ઉત્પાદકો અને સ્ટાર્ટઅપ્સ માટે એક સશક્ત પ્લેટફોર્મ બની રહ્યું છે. કોન્ફરન્સનો ઉદ્દેશ ઉત્તર ગુજરાતમાં ઉદ્યોગ અને રોજગારના નવા અવસરો ઉભા કરવાનો તેમજ યુવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવાનો છે.
આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું કે VGRC દ્વારા ઉત્તર ગુજરાતના ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રને વૈશ્વિક બજારો સાથે જોડવાની તક મળી રહી છે. તેમણે ઉમેર્યું કે “વાઇબ્રન્ટ ગુજરાત હવે માત્ર ગાંધીનગરની ઈવેન્ટ નહીં, પરંતુ દરેક પ્રદેશના વિકાસને જોડતો ચળવળરૂપ ઉત્સવ બની ગયો છે.”
આ કાર્યક્રમ દરમિયાન ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ભાવના સાથે ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવા માટે ઉદ્યોગ ક્ષેત્રમાં નવી દિશાઓ નિર્ધારિત કરવાની દિશામાં ચર્ચાઓ પણ યોજાઈ.
ઉત્તર ગુજરાતના મહેસાણાથી શરૂ થયેલી આ પહેલ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વિકાસના નવનિર્માણનું પ્રેરણાસ્થાન બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. VGRC-2025 રાજ્યના ઉદ્યોગ ક્ષેત્રને વૈશ્વિક બજારના કેન્દ્રસ્થાને લાવવાનું મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.