
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ફરી એકવાર વિવાદોમાં આવ્યું છે. પ્રકૃતિના ખોળે વિહાર કરવા આવતા પ્રવાસીઓની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. હાલમાં સોશિયલ મીડિયા પર સાપુતારાના સર્પગંગા તળાવનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્રવાસીઓ નૌકાવિહાર (બોટિંગ) દરમિયાન અત્યંત જોખમી રીતે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.વાયરલ વિડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે, તળાવની વચ્ચોવચ બોટમાં સવાર કેટલાક પ્રવાસીઓ પોતાની અને અન્યોની જિંદગી જોખમમાં મૂકીને મસ્તી કરી રહ્યા છે. બોટની અંદર ઊભા થઈને ચાલવું, એક બાજુ વજન વધારવો અને અસંતુલન ઊભું કરવું જેવી હરકતો છતાં પણ તેઓને રોકનાર કે ટોકનાર ત્યાં કોઈ જ હાજર નહોતુ. બોટિંગ સંચાલકો દ્વારા સુરક્ષાના નીતિ-નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે, વડોદરાના હરણી તળાવમાં થયેલી ગોઝારી હોનારત બાદ સાપુતારા નૌકાવિહારને સુરક્ષાના કારણોસર દોઢ વર્ષ સુધી બંધ રાખવામાં આવ્યું હતું. લાંબી રાહ જોયા બાદ જ્યારે આ સુવિધા ફરી શરૂ થઈ છે, ત્યારે સંચાલકો માત્ર કમાણીની લ્હાયમાં પ્રવાસીઓની સુરક્ષાને નેવે મૂકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હરણી જેવી દુર્ઘટના ફરી ન ઘટે તેની તકેદારી રાખવાને બદલે અહીં બેદરકારીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે,જો કોઈ મોટી હોનારત થાય તો તેનો જવાબદાર કોણ?શું વહીવટી તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?સુરક્ષાના સાધનો અને લાઈફ જેકેટનો યોગ્ય ઉપયોગ થાય છે કે કેમ તેની તપાસ કેમ નથી થતી?સર્પગંગા તળાવમાં જે રીતે નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે, તેને જોતા પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ફાળ પડી છે. ત્યારે સાપુતારામાં બોટિંગ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને પ્રત્યેક બોટમાં સુરક્ષા ગાર્ડ અથવા સતત મોનિટરિંગની વ્યવસ્થા કરવામાં આવે જેથી પ્રવાસીઓ આવી જોખમી હરકતો ન કરે તે પણ જરૂરી બન્યું છે..






