વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યનાં DGPનું સાપુતારાની તોરણ હોટલ ખાતે ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરાયુ.અહી પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરાયા..
ગુજરાત રાજ્યનાં પોલીસ વડા (DGP) વિકાસ સહાયની અધ્યક્ષતામાં રાજ્ય પોલીસની માસિક સમીક્ષા બેઠક ડાંગ જિલ્લાનાં રમણીય પ્રવાસન સ્થળ એવા સાપુતારા ખાતે યોજાઈ હતી.આ મહત્વપૂર્ણ ‘ક્રાઈમ કોન્ફરન્સ’ માં રાજ્યનાં નવ રેન્જ આઈજી, ચાર પોલીસ કમિશનર,પોલીસ અધિક્ષક સહીત રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગિરિમથક સાપુતારાનાં હોટેલ તોરણ ખાતે પોલીસ કર્મીઓએ રાજયનાં DGP વિકાસ સહાયનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યુ હતુ.આ કોન્ફરન્સ દરમિયાન DGP વિકાસ સહાયે પોલીસ વિભાગનાં જૂન માસ તેમજ જાન્યુઆરીથી જૂન સુધીના છ માસની કામકાજની વિસ્તૃત સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા.રાજ્ય પોલીસના વિવિધ વિભાગોની કામગીરીનાં સરવૈયાની ચર્ચા ઉપરાંત, કેન્દ્ર સરકારની માર્ગ અકસ્માત સંબંધિત બે મહત્વપૂર્ણ યોજનાઓ અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.આ પ્રસંગે, વિવિધ કાર્યક્રમો અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ જવાનોને પ્રશસ્તિ પત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ ક્રાઈમ કોન્ફરન્સના સમાપન બાદ ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત સાપુતારા ખાતે ઉપસ્થિત તમામ અધિકારીઓએ વૃક્ષારોપણ પણ કર્યું હતુ.અને ડાંગ જિલ્લાની અણમોલ પ્રકૃતિ તેમજ સાપુતારાનું કુદરતી સૌંદર્ય જાળવી રાખવા માટે અનુરોધ કર્યો હતો..