નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આગામી તા.૨૧ ડિસેમ્બરથી ત્રણ દિવસીય રાજ્યકક્ષાનો ભવ્ય કૃષિ મેળો યોજાશે
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
*કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલના હસ્તે રાજ્યકક્ષાના કૃષિ મેળાનું ઉદ્ઘાટન કરાશે*
નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આગામી તા. ૨૧/૧૨/૨૦૨૪ ને શનિવારથી રાજ્યકક્ષાનો ત્રિ-દિવસીય ભવ્ય કૃષિ મેળો યોજાશે. નવસારી કૃષિ યુનિવર્સિટી અને સસ્મીરા (ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય)ના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ ભવ્ય કૃષિ મેળો અને એગ્રો ટેક્ષટાઈલ કેન્દ્રનું શનિવારે સવારે ૧૦ કલાકે કેન્દ્રીય મંત્રીશ્રીઓના હસ્તે ઉદ્ઘાટન થશે. કેન્દ્રીય જળ મંત્રી શ્રી સી. આર. પાટીલ ઉક્ત સમયે કૃષિ મેળાનું ઉદ્ઘાટન કરશે, જ્યારે કેન્દ્રીય ટેક્ષટાઇલ મંત્રી શ્રી ગિરિરાજ સિંહ એગ્રો ટેક્ષટાઈલ કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે. રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ ઉદ્ઘાટન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૨૧ ડિસેમ્બર ૨૦૨૪ થી શરૂ થનારા રાજ્યકક્ષાના કૃષિ મેળાની પ્રાથમિક વિગતો આપતા નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ. પી. પટેલે જણાવ્યું હતું કે, આ ત્રિ-દિવસીય કૃષિ મેળામાં ૨૫ હજારથી વધુ ખેડૂતો ભાગ લેશે. આ ઉપરાંત ૧૨૦ જેટલા પ્રદર્શન સ્ટોલ અને ૫૦૦ જેટલા ખેડૂત અગ્રણીઓની સહભાગિતા પણ આ કૃષિ મેળાની મુખ્ય વિશેષતા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ડો. ઝેડ. પી. પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, તા. ૨૩ ડિસેમ્બર ૨૦૨૪ સુધી ચાલનારા આ કૃષિ મેળામાં ખેડૂતો ઉપરાંત પશુપાલકો, કૃષિ ડિલર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ, સહકારી તથા સરકારી સંસ્થા, કૃષિ વૈજ્ઞાનિકો તેમજ કોલેજ-શાળાના વિદ્યાર્થીઓ પણ મુલાકાત લેશે. આ ત્રિ-દિવસીય કૃષિ મેળો સવારે ૮ કલાકથી રાતના ૮ કલાક સુધી ખુલ્લો રહેશે. યુનિ.ના કુલપતિ ડો. પટેલે ખેડૂતો સહિત જાહેર જનતાને આ કૃષિ મેળાની મુલાકાત લેવા માટે અને માર્ગદર્શન મેળવવા માટે નિમંત્રણ પાઠવ્યું છે.
મહત્વનું છે કે, ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ, નવીન ટેક્નોલોજી, નવીન પાકોની વિવિધતા તેમજ ખેત સાધન સામગ્રી અંગે માર્ગદર્શન મળી રહે તે માટે સ્થાનિક કક્ષાએ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રગતિશીલ ખેડૂતો, વૈજ્ઞાનિકો, કૃષિના તાંત્રિક અધિકારી, કૃષિ યુનિ.ના વૈજ્ઞાનિકો અને અધિકારીઓ, કૃષિ ક્ષેત્ર તેમજ આત્માના અધિકારીઓ કૃષિને લગતા વિવિધ વિષયો પર ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન પુરૂ પાડે છે. કૃષિ મેળામાં વિવિધ પ્રદર્શન સ્ટોલથી ખેડૂતોને વિવિધ યોજનાઓ અંગે એક જ સ્થળેથી માહિતી અને માર્ગદર્શન મળી રહે છે. આ ઉપરાંત ખેડૂતો માટે સેમીનાર પણ યોજાય છે અને સરળતાથી જાણકારી મળી રહે તે માટે માહિતીસભર સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવે છે.