નવસારીના વેડછા ગામના ખેડૂત વિક્રમ મહેતાએ સુંદર પંક્તિની રચના થકી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સહકાર ક્ષેત્રની પહેલ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી
વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) માં ઘટાડો કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ પગલાથી સમગ્ર દેશમાં આર્થિક ગતિવિધિઓને વેગ મળ્યો છે, જેના કારણે ખેડૂતો સહિત ગ્રાહકો અને વેપારીઓ બંનેને લાભ થઈ રહ્યો છે, ત્યારે નવસારી જિલ્લાના સહકારી મંડળીઓ, સેવા સહકારી મંડળીઓ, સભાસદો, નાના વેપારીઓ, ખેડૂતોએ આ નિર્ણયને આવકાર્યો છે. ત્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડીરેક્ટરશ્રી શ્રી વિક્રમ આર મહેતા જેઓ જલાલપોર તાલુકાના વેડછા ગામના પ્રગતિશીલ ખેડૂત પણ છે તેમણે એક પંક્તિની રચના થકી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની સહકાર ક્ષેત્રની પહેલો બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી
શ્રી વિક્રમ આર મહેતા રચિત પંક્તિ નાશબ્દો છે “ મોદી તણી મહેરનો ભરપુર છે ખજાનો કે , જાણી લેજો યારો માણસ છે એ મઝાનો , આપીને સીધા લાભો છેવાડાના માનવીને , ચકિત કર્યા સૌને દંગ રહી ગયો જમાનો” જેની વિસ્તૃત સમજણ આપતા જણાવે છે કે,
“મોદી તણી મહેરનો ભરપુર છે ખજાનો” દ્વારા તેઓ દર્શાવે છે કે પ્રધાનમંત્રીએ લીધેલા નિર્ણયો ખેડૂતો માટે અમૂલ્ય ખજાનાની જેમ સાબિત થયા છે. “માણસ છે એ મઝાનો” શબ્દોમાં મોદીના સાદગીપૂર્ણ અને લોકહિતકારી સ્વભાવની કદર કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સીધા લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડ્યા છે, જેના કારણે સમાજના પછાત વર્ગને પણ સમૃદ્ધિના નવા અવસર મળ્યા છે. અંતમાં, “ચકિત કર્યા સૌને દંગ રહી ગયો જમાનો” શબ્દોમાં ખેડૂતો એ વ્યક્ત કર્યું છે કે મોદીના કાર્ય અને નિર્ણયો એટલા પ્રભાવશાળી છે કે સમગ્ર સમાજ અચંબિત રહી ગયો છે.ખેડૂત વિક્રમ આર મહેતા નવસારીની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડીરેક્ટર પણ છે તેઓ આ પોસ્ટ કાર્ડ અભિયાન સંદર્ભે જણાવે છે કે , ૨૦૨૫ને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે. ઉપરાંત દેશનું સહકારી માળખું મજબૂત કરવા સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ હેઠળ ખેડૂતો, પશુપાલકો તથા યુવાઓને સહકારી ક્ષેત્રમાં જોડાવવા તથા રોજગારી તકો ઉભી કરવા વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિવિધ હિતલક્ષી નિર્ણયો તથા યોજનાઓ અમલી કરાઇ છે. જેનાથી સહકારી મંડળીઓના સભાસદોને વિવિધ લાભ થયા છે. સહકારી મંડળીઓ તથા દૂધ ઉદ્યોગને તેનો સીધો લાભ મળ્યો છે. આ ક્ષેત્રો વધુ મજબૂત અને સક્ષમ બને તે માટે તાજતેરમાં સ્વદેશી – વોકલ ફોર લોકલ- વિદેશથી કૃષિ – દૂધ પ્રોડકટ આવતી અટકાવવાનો નિર્ણય તથા જીએસટી દરમાં ઘટાડો કરાયો છે. જેનાથી ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા પશુપાલકો ખાસ કરીને આ ક્ષેત્ર સાથે જોડાયેલી ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બનશે.
વડાપ્રધાનના સહકારી ક્ષેત્રને મજબૂત તથા પશુપાલકોને સક્ષમ બનાવવાના આ નિર્ણયથી લાભાન્વિત થનાર નવસારી જિલ્લાના સહકારી મંડળીના સભાસદો તથા પશુપાલકો પોસ્ટકાર્ડના માધ્યમથી પોતાની લાગણી વ્યકત કરીને વડાપ્રધાનશ્રીનો દિલથી આભાર વ્યકત કરી રહ્યા છે જે એક ખુબ સહરાનીય કાર્ય છે .