
રાજપારડી–નેત્રંગ માર્ગ પર ગ્રામજનોનું રસ્તા રોકો આંદોલન








ઝઘડિયા તાલુકાના નવા માલજીપુરા નજીક માર્ગ સમારકામની માંગ સાથે ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં રાજપારડીથી નેત્રંગને જોડતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હોવાને કારણે ગુરુવારે નવા માલજીપુરા નજીક ગ્રામજનોએ રસ્તા પર ઉતરી રસ્તા રોકો આંદોલન હાથ ધર્યું હતું.
સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું હતું કે માર્ગ ઉપરથી ભારે વાહનોની અવરજવર થવાથી ધૂળની ડમરીઓ ઉડતી રહે છે, જેના કારણે વાહનચાલકો અને માર્ગ કિનારે વસતા લોકો માટે તકલીફો ઉભી થઈ છે. ધૂળના થર મકાનોમાં જામતા હોવાના કારણે આરોગ્ય પર પણ પ્રતિકૂલ અસર થઈ રહી છે અને શ્વાસ સંબંધિત બીમારીઓ થવાની શક્યતાઓ વધતી જાય છે.
ગ્રામજનોએ વધુમાં જણાવ્યું કે, માર્ગ પરથી ઉડતા પથ્થરોને કારણે લોકો તેમજ વાહનોને ઇજા અને નુકસાન થવાના બનાવો બન્યા છે. તેથી માર્ગ પર રોજિંદા ધૂળથી રાહત મળે તે માટે પાણીનો છંટકાવ કરવામાં આવે તથા રસ્તાનું તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે તેવી મુખ્ય માંગણી કરવામાં આવી હતી.
વિરોધની જાણ થતાં રાજપારડી પોલીસ મથકના પી.આઈ. સ્થળ પર પહોંચી ગ્રામજનોને સમજાવટ કરી હતી. ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી. અધિકારીઓએ તાત્કાલિક ધોરણે માર્ગ પર પાણી છાંટવાની ખાતરી આપતા ગ્રામજનોએ રસ્તો ખોલી આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ જ મુદ્દે અગાઉ ગ્રામજનોએ ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું, છતાં કોઈ કાર્યવાહી ન થતા હવે લોકોએ રસ્તા પર ઉતરી વિરોધ વ્યક્ત કર્યો હતો.
હવે જોવાનું રહ્યું કે આંદોલન અને આવેદન બાદ રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવે છે કે હાલની જેમ સ્થિતિ યથાવત રહે છે — તે આવનારો સમય જ બતાવશે.




