AHAVADANGGUJARAT

ડાંગનાં બરમ્યાવડમાં પોસ્કો કેસમાં સંડોવાયેલ શિક્ષકની પુનઃનિમણૂક સામે ગ્રામજનોનો આક્રોશ:-શાળાને તાળાબંધીની ચીમકી..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના બરમ્યાવડ ગામે એક ગંભીર વિવાદ સર્જાયો છે, જેમાં POCSO એક્ટ હેઠળ જેલવાસ ભોગવીને નિર્દોષ છૂટેલા શિક્ષકને ફરી એ જ ગામની પ્રાથમિક શાળામાં નિમણૂક અપાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લાના  બરમ્યાવડ ગામની પ્રાથમિક શાળામાં ફરી એકવાર વાતાવરણ તંગ બન્યું છે.વર્ષ ૨૦૨૪ દરમિયાન જે શિક્ષક વિરુદ્ધ હોસ્ટેલની બાળકી સાથે દુષ્કર્મ અને POCSO હેઠળ ગુનો નોંધાયો હતો, તે શિક્ષક મધુકર રામજીભાઈ રાઠોડને કોર્ટે નિર્દોષ જાહેર કરતા તંત્ર દ્વારા ફરી તેમને બરમ્યાવડ શાળામાં જ ફરજ પર હાજર કરવાનો આદેશ કરાયો છે. આ નિર્ણય સામે ગ્રામજનો અને એસ.એમ.સી. (SMC) કમિટીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.ગ્રામજનો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, મધુકર રાઠોડ છેલ્લા ૩૦ વર્ષથી અહીં શિક્ષક તરીકે અને ૪ વર્ષથી હોસ્ટેલ સંચાલક તરીકે કાર્યરત હતા. તેમની સામે અગાઉ થયેલા ગંભીર દુરાચારના કેસ ઉપરાંત ગ્રામજનોએ અન્ય આક્ષેપો પણ કર્યા છે:શિક્ષક અવારનવાર દારૂના નશામાં રહેતા હોવાનું અને આંકડા-જુગાર જેવી કુટેવો ધરાવતા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.શાળાની ગ્રાન્ટના કોરા ચેક અને વાઉચર પર સહીઓ કરાવી લેવાની શંકા સાથે તેમની સામે આર્થિક વ્યવહારોમાં અસંતોષ વ્યક્ત કરાયો છે.ગ્રામજનોનું સ્પષ્ટ કહેવું છે કે જો આ શિક્ષક ફરી શાળામાં આવશે, તો તેમના બાળકોની સુરક્ષા અને ભવિષ્ય જોખમમાં મુકાશે.આવેદનપત્રમાં આક્રોશ સાથે જણાવવામાં આવ્યું છે કે,જો શિક્ષકને તાત્કાલિક અસરથી દૂર કરવામાં નહીં આવે તો વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરી દેશે.આવતીકાલથી જ શાળાને તાળાબંધી કરવાની ચીમકી પણ ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.આ બાબતે બરમ્યાવડ ગામના ૫૦થી વધુ ગ્રામજનો અને મહિલાઓએ સહીઓ કરી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અને શિક્ષણ વિભાગમાં પોતાની રજૂઆત પહોંચાડી છે.હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ ગ્રામજનોની આ ઉગ્ર રજૂઆત અને બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને શું નિર્ણય લે છે. બોક્ષ:-(1)…..બરમ્યાવડ ગામનાં જાગૃત નાગરિક અને એડવોકેટ ભાગવત ગાયકવાડે જણાવ્યું હતુ કે વર્ષ 2024માં પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા સંચાલિત બરમ્યાવડ ગામે ચાલતી હોસ્ટેલની એક અનાથ બાળકી જોડે આ મુખ્ય શિક્ષક મધુકર રાઠોડ દ્વારા દુષ્કર્મ આચરેલ હતુ. અને હાલમાં એજ શાળામાં તેની ફરી નિમણૂક કરવામાં આવી છે. આજે ગ્રામજનોને આ બાબતની જાણ થતાં જ તમામ વિદ્યાર્થીઓને ઘરે લઈ ગયા હતા.જેથી ગ્રામજનોની એક જ માંગ છે કે આ શિક્ષકને બીજી શાળામાં નિમણૂક કરવામાં આવે.

Back to top button
error: Content is protected !!