વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*PAI(પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્ષ)ગ્રામ પંચાયત લેવલની વિવિધ ૯ થીમ આધારિત ઇન્ડેક્ષનો ટાર્ગેટ પૂર્ણ કરવા સુચન કરતા કલેકટર સુશ્રી શાલિની દુહાન*
આહવા ખાતે જિલ્લા કલેકટર સભા ખંડ ખાતે આજે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળાબેન ગાઈનના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના ચેરમેનો તેમજ શાખા અધ્યક્ષઓ અધિકારીઓ અને કર્મચારીઓ માટે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્ષ વિષય અંગે એક કાર્યશિબિર યોજાઈ હતી.
આંતરરાષ્ટ્રીય વિકાસના લક્ષયાંકોના આધારે ભારતીય પરિપ્રેક્ષમાં ભારત સરકાર દ્વારા પંચાયતને વધુ સક્ષમ કરવા માટે પી.એ.આઈ. વેબ પોર્ટલ બનાવવામાં આવેલ છે. આ પોર્ટલ પર કામગીરીની સુગમતા અને ગ્રામ પંચાયતની સિદ્ધિને તમામ બાબતોથી મૂલ્યાંકન કરી જિલ્લા કક્ષાએ પરફોર્મન્સ માપવા માટે આ ખ્યાલ વિકસાવવામાં આવેલ છે. આ માટે કેટલાક બહુપરિમાણીય સુચકાંકો જેવા કે જીવન ધોરણ, સ્વાસ્થ્ય, બાળકો અને મહિલાઓના ક્ષેત્રો, પાણી, સ્વચ્છતા, માળખાગત સુવિધાઓ, સામાજિક સુરક્ષા, શાસન વ્યવસ્થા જેવા પાસાઓ બાબતે વિશ્લેષણ કરી જે-તે ગ્રામ પંચાયતને મૂલ્યાંકન કરવામાં આવે છે.
આ કાર્યશિબિરમાં કલેકટર સુશ્રી શાલિની દુહાને પંચાયતના તમામ સહભાગીઓને જણાવ્યું હતું કે જે બાબતોમાં આપણા જિલ્લાને ઓછા ગુણાંક મળેલા છે તેવી તમામ બાબતોમાં સંકલન કરી સારા ગુણાંક ચાલુ વર્ષમાં મેળવે તે માટે સબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
આ કાર્યશિબિર દરમિયાન નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલે પ્રેઝન્ટેશન દ્વારા સમજાવ્યું હતું કે પી.એ.આઈ. શા માટે જરૂરી છે? તેમણે જણાવ્યું હતું કે તેનાથી ભારતના સાચા ગામડાની ઓળખ થશે, કઈ બાબતમાં ગ્રામ પંચાયત શ્રેષ્ઠ છે તે સાબિત થશે, કઈ બાબતમાં ખામી છે જે સુધારી શકાશે, ગ્રામ પંચાયતથી લઈને કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલય સુધી તમામ ચેનલોમાં એક અભ્યાસ તરીકે કેસ સ્ટડી કરી શકાય. જે નીતિ નિર્માણની બાબતોમાં પણ મદદરૂપ થઈ શકે છે. ગત વર્ષ સુધીમાં ૨ લાખ ૫૦ હજાર જેટલી ગ્રામ પંચાયતોએ ૭૦૦ થી વધુ બાબતોમાં એન્ટ્રી કરી હતી.
આ બેઠકમાં ડાંગ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.વસાવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી એસ. ડી. તબિયાર, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલિયા, આધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હિમાંશુ ગામિત સહિત જિલ્લા પંચાયત હસ્તકના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ સહિત અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.