આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના વડદલા હાઈસ્કુલના આચાર્ય વિનયભાઈ પટેલની નેશનલ ટીચર્સ એવોર્ડ માટે પસંદગી

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના વડદલા હાઈસ્કુલના આચાર્ય વિનયભાઈ પટેલની નેશનલ ટીચર્સ એવોર્ડ માટે પસંદગી
તાહિર મેમણ – આણંદ – 04/09/2024- “મેં ગ્રામીણ વિસ્તારની શાળા એટલા માટે પસંદ કરી કારણ કે મને અહીં છેવાડાના બાળકોની સેવા કરવાની તક મળે. આચાર્ય તરીકે મને કામ કરવાની વધુ સ્વતંત્રતા મળશે તેથી આ જોબ મેં સ્વીકારી. આજે અહીં હાઈસ્કૂલમાં આયુર્વેદિક ઔષધીય બાગ છે, ડિજીટલ લાઇબ્રેરી અને સ્માર્ટ ક્લાસરૂમ છે અને હાઇસ્કૂલમાં થતા કોઈ પણ કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવતો નથી.” આ શબ્દો છે આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના વડદલા ગામની હાઇસ્કૂલમાં ૧૬ વર્ષથી આચાર્ય તરીકે સેવા આપતા શિક્ષક વિનય શશિકાન્ત પટેલના, જેમની નેશનલ ટીચર્સ એવોર્ડ-૨૦૨૪ માટે પસંદગી થઇ છે.
લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓએ અઠવાડિયામાં એક વાર તો જવાનું જ, ગામના લોકો માટે પણ ખુલ્લી હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના સર્વાંગી વિકાસ માટે તત્પર વિનયભાઈએ શાળાની માળખાકીય સુવિધાઓને વિકસિત કરવા માટે ઘણા પ્રયાસ કર્યા છે. તેમની શાળાની સુવિધાઓ વિશે જણાવતા વિનયભાઇએ કહ્યું, “અમારી હાઇસ્કૂલમાં અત્યારે ખૂબ જ સુંદર લાઇબ્રેરી છે, જે સારામાં સારા પુસ્તકો અને ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે. ઇન્ટરનેટ કનેક્શન પણ છે, જેથી બાળકો પૂરતો અભ્યાસ કરી શકે. અહીં બાળકોની સાથે ગામના વાંચનપ્રેમી લોકો પણ પુસ્તકો વાંચવા આવે છે. અમે એવી વ્યવસ્થા કરી છે કે બાળકોએ અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વાર તો લાઇબ્રેરીમાં જવાનું જ. ”
શાળામાં ઔષધીય બાગ, કરૂણા અભિયાનમાં વિદ્યાર્થીઓ સેવાકાર્ય કરે સ્માર્ટ ક્લાસરૂમ ગામડાઓના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ
ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને વિવિધ કાર્યક્રમો થકી બાળકોને શાળા સુધી લાવવાના પ્રયાસો કર્યા છે. સરકારની કામગીરી અંગે વિનયભાઇ કહે છે કે, “સરકારે સ્માર્ટ ક્લાસરૂમની જે ભેટ આપી છે, તે ગામડાના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે. તેનાથી બાળકોને ખૂબ જ સારી રીતે શિક્ષણ આપી શકાય છે. લેટેસ્ટ ટેક્નોલોજી સાથે આપણા બાળકો ભણે તે ખૂબ જ જરૂરી છે. સરકારે શરૂ કરેલો શાળા પ્રવેશોત્સવ પણ બાળકોના શિક્ષણ માટે ઘણો સફળ સાબિત થયો છે.”



