Vinchchhiya: વીંછિયા તાલુકામાં રૂ. ૧૪.૫૦ લાખના ખર્ચે નિર્મિત મોટા માત્રા ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરાયું
તા.૧૧/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
મંત્રીશ્રીએ સ્થાનિકોના પ્રશ્નો સાંભળીને ઉકેલ લાવવા સૂચના આપી
Rajkot, Vinchchhiya: રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના મોટા માત્રા ગામ ખાતે રૂ. ૧૪.૫૦ લાખના ખર્ચે નિર્માણ પામેલી ગ્રામ પંચાયતના નવા ભવનનું લોકાર્પણ જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું હતું.
આ તકે કેબિનેટ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મોટા માત્રા ગ્રામ પંચાયતનું લોકાર્પણ થતાં તમામ સરકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચી શકશે, તેમજ ગામલોકોના પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવી શકાશે, જે ખુશીની વાત છે.
તેમણે ઊમેર્યું હતું કે, તંત્ર અને પ્રજાના સહિયારા પ્રયાસોથી આ ગામ રોડ-રસ્તા, પાણી, શિક્ષણ, આરોગ્ય જેવી સુવિધાઓથી સભર થતાં સતત પ્રગતિ સાધી રહ્યું છે. પ્રાથમિક સુવિધાઓમાં વધારો થતાં મોટા માત્રા ગામ ઘરેણાં સમાન શોભી રહ્યું છે.
મોટા માત્રા ગામમાં મંત્રીશ્રીનું પરંપરાગત રીતે સ્વાગત કરાયું હતું. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરાયો હતો અને પુષ્પગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું. કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન વીંછિયા તાલુકા વિકાસ અધિકારીશ્રી પાર્થરાજસિંહ પરમાર અને અગ્રણીશ્રી લાલભા ગઢવીએ તેમજ સંચાલન શ્રી રોહિતભાઈ પરમારએ કર્યું હતું.
આ તકે મંત્રીશ્રીએ ગ્રામ પંચાયતના વિવિધ ઓરડાનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો આપ્યા હતા. મંત્રીશ્રીએ પર્યાવરણ જતન અર્થે વૃક્ષારોપણ કર્યું હતું. તેમજ સ્થાનિકોના પ્રશ્નો સાંભળીને સંબંધિત અધિકારીઓને ઉકેલ લાવવા સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, ગ્રામ પંચાયતના નિર્માણમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ (મનરેગા) હેઠળ ૨૦ મજૂરોને રોજગારી મળી છે.
આ કાર્યક્રમમાં મનરેગા આસિસ્ટન્ટ પ્રોગ્રામરશ્રી ભીમરાજભાઈ રાઠોડ, તાલુકા પંચાયત સદસ્યશ્રી ભુપતભાઈ રોજાસરા, તેમજ શ્રી જયંતીભાઈ બાવળીયા સહિતના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.