Vinchchiya: વીંછિયા શહેરમાં સફાઈ ઝુંબેશના અનુસંધાને વિવિધ વોર્ડની મુલાકાત લેતાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

તા.૨/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
મંત્રીશ્રીએ સ્વચ્છતા અંગે માર્ગદર્શન પૂરું પાડીને આવશ્યક સૂચનો આપ્યા
Rajkot, Vinchchiya: રાજકોટ જિલ્લાના વીંછિયા શહેરમાં આયોજિત સફાઈ ઝુંબેશના અનુસંધાને ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા એ વિવિધ વોર્ડની મુલાકાત લઈને આવશ્યક સૂચનો આપ્યા હતા.
વીંછિયાના શહેરી વિસ્તારમાં હાલ ચોમાસાની ઋતુને કારણે ચાંદીપુરા વાયરસ કે અન્ય કોઈપણ પ્રકારનો રોગચાળો ન ફેલાય, તે માટે વોર્ડવાઈઝ ખાસ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અન્વયે આંબલી ચોકથી પાણી દરવાજા, રાજગઢ ચોકથી પાણી દરવાજા, માત્રા દરવાજાથી રાજગઢ ચોક, ઉગમણી બારીથી પ્રાથમિક શાળા અને આથમણી બારીથી અંબાજી મંદિર સુધી સાફસફાઈ કરીને જે – તે સ્થળને સ્વચ્છ અને ચોખાચણાક બનાવવામાં આવ્યા હતા. આ તકે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા એ સફાઈ કામદારો અને અધિકારીઓને સ્વચ્છતા અંગે માર્ગદર્શન પૂરું પાડીને સલાહ-સૂચનો આપ્યા હતા.
આ તકે વીંછિયા મામલતદારશ્રી આર. કે. પંચાલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી પાર્થરાજસિંહ પરમાર, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડોક્ટર રાજા ખાંભલા, તલાટી કમ મંત્રીશ્રી અમૃતભાઈ બારૈયા, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી વાય. જી. ઝિંઝાળા, સરપંચશ્રી ચતુરભાઈ રાજપરા, અશ્વિનભાઈ સાંકળીયા, વલ્લભભાઈ ઝાપડિયા સહિતના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.





