Vinchhchiya: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિંછીયા ખાતે રૂ.૧.૪૬ કરોડનાં ખર્ચે બનેલા બી.આર.સી.ભવનનું લોકાર્પણ કર્યું
તા.૩/૧૦/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે આગળ વધવા યુવાનોને હાકલ કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
Rajkot, Vinchhchiya: કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિંછીયા ખાતે રૂ.૧.૪૬ કરોડનાં ખર્ચે બનેલા બ્લોક રીસોર્સ સેન્ટર(બી.આર.સી.)ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ તકે ઉપસ્થિત શિક્ષકો તેમજ અગ્રણીઓએ મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, જસદણ-વિંછીયાનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. સીમશાળાઓને આધારે શિક્ષણનો વ્યાપ વધ્યો છે, એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેની તકેદારી સરકાર દ્વારા રાખવામાં આવી રહી છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, શાળાઓ ગામનાં ઘરેણા સમાન હોય છે. મંત્રીશ્રીએ ઉચ્ચ શિક્ષણ મેળવી સારી કારકિર્દી બનાવવાની સાથે રમતગમત ક્ષેત્રે આગળ વધવા યુવાનોને હાકલ કરી હતી. શિક્ષણથી જ વ્યક્તિ, પરિવાર, સમાજ અને દેશ પ્રગતિ કરી શકે છે. શાળા, કોલેજોમાં અત્યાધુનિક શૈક્ષણિક સુવિધાઓ પુરી પાડીને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. સરકારશ્રીની વિદ્યાર્થી ઉત્કર્ષલક્ષી યોજનાઓથી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે. શાળાઓનાં સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીઓને સર્વાંગી શિક્ષણ પૂરું પાડવામાં આવતું હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
બી.આર.સી.ભવનનાં લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રીએ પોતે શિક્ષક તરીકેનાં દિવસોને યાદ કર્યા હતા.
કાર્યક્રમમાં સી.આર.સી કોર્ડીનેટર શ્રી ઉમેશભાઈ પરમારએ સમગ્ર શિક્ષા અને બીઆરસી ભવનની કાર્યપ્રણાલી વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.
અગ્રણીશ્રી અશ્વિનભાઈએ કહ્યું હતું કે, ભારત દેશને વિકસિત દેશ બનાવવા શિક્ષણ ખૂબ જ અગત્યનું છે. જસદણ-વિંછીયા તાલુકાનાં ગામેગામમાં શાળાઓ, આરોગ્ય સહિતની જરૂરિયાત સરકાર દ્વારા પુરી પાડવામાં આવી રહી હોવાનું અગ્રણીશ્રીએ કહ્યું હતુ.
કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત બીઆરસી કો-ઓર્ડીનેટર શ્રી એચ.બી.ખલ્યાણીએ તેમજ આભારવિધિ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ચંદુભાઈ ગઢવીએ કરી હતી.
આ તકે અમરાપુર તાલુકા કન્યા શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. લોકાર્પણ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નીતાબેન, ઉપપ્રમુખશ્રી ભુપતભાઈ, એપીએમસીના ચેરમેન શ્રી કડવાભાઈ, અગ્રણીશ્રીઓ શ્રી વિપુલભાઈ, શ્રી અશ્વિનભાઈ, શ્રી વલ્લભભાઈ, શ્રી વિનુભાઈ, શ્રી લાલભાઈ, શ્રી પ્રવીણભાઈ, શ્રી હાજીભાઈ સહિત તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, વિવિધ ગામના સરપંચશ્રીઓ તેમજ શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.