AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં આચારસંહિતાનો ભંગ? વહીવટી તંત્રની નિષ્ક્રિયતા,લોકોમાં સત્તાધારી પક્ષની મનમાનીના આક્ષેપ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

બોક્ષ: “આચારસંહિતા સૌ માટે સમાન હોવી જોઈએ. જો તંત્ર જ નિયમોના પાલનમાં ભેદભાવ રાખશે, તો જનતાનો ચૂંટણી પ્રક્રિયા પરથી વિશ્વાસ ઉઠી જશે.”

ડાંગ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલ અંગે તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. વઘઇ તાલુકાના નાનાપાડા ગામે સરકારી બોર્ડ હજુ સુધી દૂર ન થતા તંત્રની બેધારી નીતિ સામે આવી રહી છે.

ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે, પરંતુ તેની અમલવારી જમીન પર ક્યાંક ખૂટતી જોવા મળી રહી છે. ખાસ કરીને વઘઇ-સાપુતારા રાજ્ય ધોરીમાર્ગ પર આવેલા નાનાપાડા ગામે આ સ્થિતિ સ્પષ્ટ રીતે નજરે પડે છે.

માહિતી અનુસાર, માજી જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઈનના નિવાસસ્થાન નજીક હજુ પણ સરકારી બોર્ડ યથાવત જોવા મળી રહ્યા છે. નિયમ મુજબ, આચારસંહિતા લાગુ થતા જ આવા બોર્ડ અને હોર્ડિંગ્સ તાત્કાલિક દૂર કરવાના હોય છે, છતાં દિવસો વીતી ગયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી.

આ ઘટનાને પગલે સ્થાનિક નાગરિકો અને રાજકીય વર્તુળોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે શું આચારસંહિતા માત્ર સામાન્ય લોકો અને વિરોધ પક્ષ માટે જ લાગુ પડે છે?

સત્તાધારી પક્ષ સાથે સંકળાયેલા પૂર્વ પદાધિકારીના નિવાસસ્થાન નજીકના બોર્ડ દૂર ન કરાતા તંત્ર પર રાજકીય દબાણ હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે. આ પરિસ્થિતિ નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા પર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે.

જાગૃત નાગરિકોએ માંગ કરી છે કે તંત્ર તરત જ કાર્યવાહી કરીને તમામ માટે સમાન રીતે આચારસંહિતાનો કડક અમલ સુનિશ્ચિત કરે. નહીં તો લોકશાહીની વિશ્વસનીયતા પર તેની નકારાત્મક અસર પડી શકે છે.

Back to top button
error: Content is protected !!