પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તાજપુરા ખાતે વિરાટ નારાયણ વનનું નિર્માણ કરાયું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૮.૯.૨૦૨૪
પંચમહાલ જિલ્લાના તાજપુરા ધામ ખાતે રાજ્યના કેબિનેટ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા અને રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં નવનિર્મિત વિરાટ નારાયણ વન ખાતે એક પેડ નારાયણ બાપુજી કે નામ અને એક પેડ માં કે નામ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. એક દિવસમાં એક સ્થળ પર સૌથી વધુ રેકોર્ડ બ્રેક 13,551 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું, આયુર્વેદની દ્રષ્ટિએ મહત્વ ધરાવતા તેમજ ફળાઉ વૃક્ષોની રોપણી કરીને વિરાટ નારાયણ વનને આકાર આપવામાં આવ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વૃક્ષો અને વનોની જાળવણી માટે એક પેડ માં કે નામ હેઠળ વૃક્ષારોપણના વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તાજપુરા ખાતે યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં લોકોને ધરતીને લીલીછમ કરવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે અપીલ કરાઇ હતી.પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તાજપુરા ખાતે આવેલા નારાયણધામ ખાતે વિરાટ નારાયણ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે,જ્યાં શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ અને પંચમહાલ જિલ્લા વનવિભાગના સંયુક્ત ઉપક્રમે રેકોર્ડબ્રેક 13,551 જેટલા આયુર્વેદની દ્રષ્ટીએ મહત્વ ધરાવતા અને ફળાઉ વૃક્ષો રોપવાનો કાર્યક્રમ જેમાં વનવિભાગ દ્વારા વિરાટ નારાયણવન ખાતે સમગ્ર વિસ્તારમાં છોડ રોપવા માટે ખાડા ખોદવામાં આવ્યા હતા, જ્યાં વૃક્ષારોપણ કરવા માટે નારાયણધામ ખાતે આવતા ભક્તો, ગ્રામજનો તેમજ શાળા કૉલેજના વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રીઓ તેમજ સાંસદશ્રીઓ અને ધારાસભ્યઓ દ્વારા સૌપ્રથમ વૃક્ષારોપણ કર્યા બાદ ઉપસ્થિત જનમેદનીએ વૃક્ષની જાળવણી કરવાની નેમ સાથે વૃક્ષારોપણ કર્યું હતું. વડ, પીપળો, આમળા, દેશી આંબા, બીલી, ગરમાળો, સીતાફળ, ગુલકંદ, રગત રોયડો, પારિજાત સહિત 38 પ્રકારના 13,551 વૃક્ષોનું વાવેતર કરીને નવો રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો હતો. અગાઉ 12 હજાર વૃક્ષો રોપવાનો રેકોર્ડ તોડીને આજે 13,551 વૃક્ષો રોપવામાં આવ્યા હતા.કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ અને જિલ્લાના વનવિભાગને ઉમદા કાર્યને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા, સાથે જ તમામ વૃક્ષોની ભવિષ્યમાં માવજત કરીને ઉછેર થાય તે માટે અપીલ કરી હતી.તાજપુરા ખાતે આયોજિત કાર્યક્રમમાં પંચમહાલ સાંસદ રાજપાલસિંહ,છોટા ઉદેપુર સાંસદ જશુભાઇ રાઠવા, હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, તેમજ રાજ્યના અને જિલ્લાના વનવિભાગના અધિકારીઓ,જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષક તથા તાજપુરા ધામના હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.











