
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જીલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત ખેડૂતોનો રાજ્યમાં પ્રેરણા પ્રવાસ ઘટક હેઠળ ગણદેવી તાલુકાના ખેડૂતોએ વાંસદા તાલુકાના ભીનાર ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી મનુભાઈ ભીખાભાઈ પટેલના ખેતરની મુલાકાત ગત તા. ૧૭/૦૧/૨૦૨૬ ના રોજ લીધી હતી. જેમાં તેઓએ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેઓ છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. વ્યવસાયે નિવૃત્ત શિક્ષક છે અને હાલ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પ્રેરણારૂપ કાર્ય કરી રહ્યા છે. મનુભાઈ તેમના ખેતરમાં આંબાવાડી, પપૈયા તેમજ એવોકાડો જેવા પાકોની સફળ ખેતી કરી રહ્યા છે. સાથે સાથે, તેઓ ઘન જીવામૃતનું ઉત્પાદન કરી તેનું વેચાણ પણ કરે છે. તેઓ ૩૫ કિલોગ્રામ ઘન જીવામૃત રૂ. ૩૦૦/-ના દરે ખેડૂતોને ઉપલબ્ધ કરાવે છે, જે પ્રાકૃતિક ખેતી માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. આ પ્રેરણા પ્રવાસમાં અંદાજે ૧૩૦ જેટલા ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પ્રાકૃતિક ખેતી અંગે ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું હતું. ખેડૂતોએ શ્રી મનુભાઈ પટેલના કાર્યની પ્રશંસા કરી અને પ્રાકૃતિક ખેતી અપનાવવાની પ્રેરણા મેળવી હતી.





