GUJARATMEHSANAVISNAGAR

વિસનગરના જોષી કાવ્યએ ખેલ મહાકુંભની જુડો સ્પર્ધામા ભાગ લઈ બે ગોલ્ડ મેડલ અને ત્રણ સિલ્વર મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું

તમે પણ એમની જેમ સિલ્વર, ગોલ્ડ મેડલ મેળવી શકો છો

વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,

યુવાઓમાં રમત ગમત પ્રત્યે જાગૃતિ આવે અને યુવાઓમાં રહેલું રમતગમતનું કૌશલ્ય બહાર લાવવાના આશયથી તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. આ ખેલ મહાકુંભમાં અનેક રમતવીરોએ ભાગ લઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાજ્યનું નામ રોશન કર્યું છે. મહેસાણા જિલ્લામાં પણ અનેક રમતવીરોએ ખેલ મહાકુંભ થકી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગરના જોષી કાવ્યએ ખેલ મહાકુંભની જુડો સ્પર્ધામા ભાગ લઈ બે ગોલ્ડ મેડલ અને ત્રણ સિલ્વર મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

જુડો સ્પર્ધામાં તેમને મેળવેલી સિદ્ધિ અંગે વાત કરતા વિસનગરના જોશી કાવ્ય જણાવે છે કે વર્ષ 2015માં હું નૂતન સર્વ વિદ્યાલય મહેસાણામાં અભ્યાસ કરતો હતો ત્યારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના બે કોચને ટ્રેનિંગ માટે અમારી સંસ્થામાં મૂકવામાં આવ્યા હતા ત્યારે મને પણ જુડો રમત વિશે ખ્યાલ આવ્યો અને જુડો રમત રમવાની મેં શરૂઆત કરી હતી. અમારા જુડોના કોચ ધવલ પ્રજાપતિ પાસે જુડોની તાલીમ લઈને વર્ષ 2016 માં મેં સૌપ્રથમ વાર ખેલમહાકુંભમાં જુડો સ્પર્ધામા ભાગ લીધો હતો.

વધુમાં તેઓ જણાવે છે કે અત્યાર સુધીમાં ખેલ મહાકુંભમાં મેં જુડો સ્પર્ધામાં પાંચ મેડલ મેળવ્યા છે. જેમાં બે ગોલ્ડ મેડલ અને ત્રણ સિલ્વર મેડલનો સમાવેશ થાય છે. છેલ્લા વર્ષ 2023-24 માં મેં ખેલ મહાકુંભમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.

વધુમાં કાવ્ય જોશીએ વર્ષ 2024 -25 નું ખેલ મહાકુંભનું અત્યારે રજીસ્ટ્રેશન ચાલુ છે, જેની છેલ્લી તારીખ 25 ડિસેમ્બર છે તેમ જણાવી સૌ રમતવીરોને ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરવા અપીલ કરી હતી.

વિસનગરના બીજા એક જુડો સ્પર્ધાના રમતવીર પટેલ મોહિત જણાવે છે કે સૌપ્રથમ મેં વર્ષ 2019 માં ખેલ મહાકુંભ અંતર્ગત જુડો સ્પર્ધામાં ભાગ લીધો હતો અને વર્ષ 2023 -24 માં મેં ખેલ મહાકુંભમાં જુડો સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. હાલ વર્ષ 2024 -25 નું ખેલ મહાકુંભનું રજીસ્ટ્રેશન ચાલુ છે, જેની છેલ્લી તારીખ 25 ડિસેમ્બર છે. તમે પણ મારી જેમ સિલ્વર, ગોલ્ડ મેડલ મેળવી શકો છો, માટે સૌ રમતવીરોએ આ ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ.

આમ ગુજરાતમાં રમતગમતની સંસ્કૃતિ વિકસે અને ગુજરાતના રમતવીરો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશને નામના અપાવે તે માટે ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમોનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતું હોય છે અને આજે આવા ખેલ મહાકુંભો થકી અનેક રમતવીરોએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રમતગમત ક્ષેત્રે ગુજરાતને નામના અપાવી છે.

Back to top button
error: Content is protected !!