MORBI:મોરબી પી.એમ. આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ વંચિત/ગરીબ પરિવારોને સાંકળવા જિલ્લામાં સર્વે હાથ ધરાશે

MORBI:મોરબી પી.એમ. આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ વંચિત/ગરીબ પરિવારોને સાંકળવા જિલ્લામાં સર્વે હાથ ધરાશે
પાકું ઘર બનાવવા ૧.૨૦ લાખની સહાય; યોગ્ય માપદંડ ધરાવતા પરિવારોને યોજનાનો લાભ લેવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અનુરોધ
કાચા મકાનોમાં રહેતા અને ઘરવિહોણા પરીવારોને ગ્રામીણ વિસ્તારોમાં પાકું મકાન મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી છે. ત્યારે આ યોજનાથી વંચિત પરિવારોને આ યોજનાનો લાભ આપવા માટે સરકાર દ્વારા સવિશેષ મહત્વ આપી કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે મોરબી જિલ્લામાં આગામી ૩૧ જાન્યુઆરી સુધી ગામડાઓમાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.
કાચા મકાનોમાં રહેતા અને ઘરવિહોણા પરીવારોને ગ્રામીણ વિસ્તારોમાં સને ૨૦૨૪ થી વર્ષ ૨૦૨૯ સુધીમાં બધીજ પાયાની સગવડો સાથે પાકા મકાનો પુરા પાડવાનું પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ)નું ધ્યેય છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (District Rural Development Agency) દ્વારા આગામી તારીખ ૩૧-૦૧-૨૦૨૫ સુધી સર્વેની કામગીરી કરવામાં આવનાર છે. ગ્રામીણ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) માટે રૂપિયા ૧.૨૦ લાખની સહાય આપવામાં આવે છે. જેથી આ યોજનાથી વંચિત તમામ ગ્રામ્ય વિસ્તારના યોગ્ય માપદંડ ધરાવતા ગરીબ પરિવારોને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ (૧) મોટરાઇઝ ત્રણ/ચાર વ્હીલર ધરાવતા હોય તેવા, (૨) મેકેનાઇઝડ ત્રણ/ચાર વ્હીલર એગ્રીકલ્ચર સાધનો ધરાવતા હોય તેવા. (૩) ૫૦૦૦૦ અને તેથી વધુની કિશાન ક્રેડિટ લીમીટ ધરાવતા હોય તેવા. (૪) પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરી કરતા હોય તેવા. (૫) સરકારશ્રી ના નોન-એગ્રીકલ્ચરલ એન્ટરપ્રાઇઝમાં રજીસ્ટર થયેલ હોય તેવા. (૬) પરિવારનો કોઈ સભ્ય માસિક ૧૫૦૦૦ થી વધારે આવક ધરાવતા હોય તેવા. (૭) ઈન્કમ ટેક્ષ ભરતા હોય તેવા. (૮) પ્રોફેશનલ ટેક્ષ ભરતા હોય તેવા. (૯) ૨.૫ એકર કે તેથી વધારે પિયત જમીન ધરાવતા હોય તેવા. (૧૦) ૫ એકર કે તેથી વધુ બિનપિયત જમીન ધરાવતા હોય તેવા પરિવાર/વ્યક્તિને મળવાપાત્ર નથી. આ મુજબના માપદંડો સિવાય તમામ વ્યક્તિઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) સર્વે અને યોજનાકીય વધુ માહિતી માટે આપની ગ્રામ પંચાયત કચેરી અને તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક કરવા માટે મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવીની યાદીમાં જણાવાયું છે.






