રાનકુવા સ્થિત વ્રજભૂમિ ઇન્ટરનેશનલ એકેડમી ખાતે રમતગમતના કૌશલ્ય સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ જામી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત હેન્ડબોલ એસોસિએશનના અધ્યક્ષ ડૉ. સનમ પટેલના હસ્તે રમત મહોત્સવનો શુભારંભ
ચીખલી તાલુકાના રાનકુવા ખાતે આવેલી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા વ્રજભૂમિ ઈન્ટરનેશનલ એકેડમી (વિદ્યા મંદિર) દ્વારા વાર્ષિક રમતગમત મહોત્સવ ‘સ્પોર્ટ્સ ફીસ્ટા-૨૦૨૬’ ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ આમંત્રિત મહાનુભાવો અને શાળાના ટ્રસ્ટીઓના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો, ત્યારબાદ મુખ્ય મહેમાનોનું પુષ્પગુચ્છ આપી ભાવભીનું સ્વાગત કરાયું હતું. શાળાના વિદ્યાર્થીઓએ ગ્રાઉન્ડમાં શિસ્તબદ્ધ પરેડ યોજી મહેમાનોને ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપી હતી, જ્યારે શાળાના શિક્ષકોએ ખેલદિલીના પ્રતીક સમી મશાલ પ્રગટાવી સ્પોર્ટ્સ ફીસ્ટાની શરૂઆત કરાવી હતી. આ અવસરે વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત પર મનમોહક નૃત્ય રજૂ કરી ઉપસ્થિત વાલીઓ અને મહેમાનોના દિલ જીતી લીધા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ પ્રફુલ્લિત બની ગયું હતું. આ ઉપરાંત શાળાના અલગ-અલગ ગ્રુપો દ્વારા પણ ડાન્સ અને અન્ય સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.મેદાન પર યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં દોડ, કોથળા કૂદ, લીંબુ ચમચી, દેડકા કૂદ, સંગીત ખુરશી અને વિઘ્ન દોડ જેવી અનેક રમતોમાં શાળાના દરેક બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત હેન્ડબોલ એસોસીએશનના અધ્યક્ષ અને બક્ષીપંચ મોરચાના મહામંત્રી સનમભાઈ પટેલ, ચાપલધારા ગામ પંચાયતના ડે. સરપંચ હેમંતસિંહ પરમાર, ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી રાજુભાઈ પટેલ, નવસારી જિલ્લા પ્રાથમિક સંઘના મહામંત્રી અને ચીખલી તાલુકા પ્રાથમિક સંઘના પ્રમુખ હિતેશભાઈ પટેલ તેમજ નવસારી જિલ્લા પ્રાથમિક સંઘના મંત્રી યોગેનસિંહ પરમાર ખાસ હાજર રહ્યા હતા. મહેમાનોએ પોતાના ઉદબોધનમાં શાળાની પ્રવૃત્તિઓની ભારોભાર પ્રશંસા કરી બાળકોની ઉન્નતિ માટે આશીર્વચન પાઠવ્યા હતા. મોટી સંખ્યામાં વાલીઓની ઉપસ્થિતિ વચ્ચે શાળાના શિક્ષકોના અથાક પ્રયત્નોથી આ કાર્યક્રમ અત્યંત સફળ અને સુંદર રહ્યો હતો. અંતમાં શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત સર્વનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.




