
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં મુખ્યમથક આહવા ખાતે ગૌરવી દુશાણે અને મિશન મંગલમ (NRLM)ના સંયુક્ત ઉપક્રમે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ગ્રામ વિકાસ એજન્સીનાં સભાખંડમાં સ્વસહાય જૂથની મહિલાઓ માટે વારલી પેન્ટિંગની એક વિસ્તૃત વર્કશોપ યોજાઈ હતી.આ કાર્ય શિબિરમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શિવાજી તબિયાડ અને ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી આર.બી.ચૌધરીએ અધ્યક્ષ સ્થાને યોજાયું હતુ.
મુંબઈ સ્થિત ગૌરવી દુશાણે, જેઓ આહવાના પુત્રવધૂ છે અને છેલ્લા 15 વર્ષથી વારલી ચિત્રકલા ક્ષેત્રે સંશોધન અને પેઇન્ટિંગ કરી રહ્યા છે, તેમણે આદિવાસી વિસ્તારની મહિલાઓને વિનામૂલ્યે પોતાના બહોળા અનુભવનો લાભ આપવાનો ઉમદા હેતુ રાખ્યો છે. તેમનું માનવુ છે કે આ કલાનું અસ્તિત્વ ટકી રહે અને સ્થાનિક મહિલાઓને રોજગારીની નવી તકો મળે તે માટે પ્રયત્નો કરવા જરૂરી છે.આ જ સામાજિક કાર્યના ભાગરૂપે આજના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ કાર્યશાળામાં ગૌરવી દુશાણે દ્વારા ઉપસ્થિત મહિલાઓને વારલી પેન્ટિંગ માટેની કીટ આપવામાં આવી હતી.સ્વસહાય જૂથની મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક આ તાલીમમાં ભાગ લીધો અને વારલી પેઇન્ટિંગની વિવિધ ટેકનિકો શીખી હતી.ગૌરવી દુશાણેએ સ્થાનિક બહેનોને વારલી પેઇન્ટિંગ વિશે વિસ્તૃત સમજણ આપી અને તાલીમ દ્વારા તેમને આ કળામાં નિપુણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક લોકોને તેમની કલા અને વારસાને જાળવી રાખવામાં મદદરૂપ થવાનો છે, સાથે જ તેમને રોજગારીની તકો પણ ઉપલબ્ધ કરાવવાનો છે.એન.આર.એલ.એમ. અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી આયોજિત આ વિનામૂલ્યે વર્કશોપ સ્વસહાય જૂથની બહેનો માટે એક અમૂલ્ય તક સાબિત થઈ છે.આ કાર્યક્રમે ડાંગની સ્થાનિક બહેનોને તેમની કળાને વધુ સમૃદ્ધ કરવાની અને આત્મનિર્ભર બનવાની દિશામાં એક સકારાત્મક પગલું ભરવામાં મદદ કરી છે.ગૌરવી દુશાણેના આ પ્રયાસને ઉપસ્થિત સૌએ બિરદાવ્યો હતો અને આ પ્રકારની પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ ચાલુ રહે તેવી આશા વ્યક્ત કરી હતી..





