WASMO છોટાઉદેપુરમાં ₹1.40 કરોડની ઉચાપત: ઉપલા અધિકારીઓની ભૂમિકાએ સવાલો ઊભા કર્યા

છોટાઉદેપુર જિલ્લામાં આવેલી વાસમો (WASMO) ની કચેરીમાંથી થયેલા કરોડો રૂપિયાની ઉચાપતનો કેસ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અહીંના એક કર્મચારી, તિમિરભાઈ પટેલ, દ્વારા આશરે એક કરોડ ચાલીસ લાખ રૂપિયા (₹ ૧.૪૦ કરોડ)ની ઉચાપત કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. જોકે, આ કેસમાં ફરિયાદ નોંધાયા બાદ પણ અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
આ સવાલો ઉઠાવનારી સંસ્થા છે – ગુજરાત વિજ્ઞાન જાથા.
વિજ્ઞાન જાથાએ સમગ્ર મામલે વાસમોના ઉપલા અધિકારીઓની ભૂમિકા પર આંગળી ચીંધી છે અને નિષ્પક્ષ તપાસની માગ કરી છે.
વિજ્ઞાન જાથા દ્વારા ઉઠાવેલા મુખ્ય સવાલો:
જાથાના પ્રમુખ જયંત પંડ્યા દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ, સૌથી મોટો સવાલ એ છે કે:
છેલ્લા ચાર વર્ષ થી ફરજ બજાવતા અને આશરે દોઢ વર્ષ સુધી સતત અલગ-અલગ ચેક દ્વારા રૂપિયા એક કરોડ ચાલીસ લાખ ઉઠાંતરી થવા છતાં ઉપલા અધિકારીઓને આ બાબતની જાણ કેમ ના થઈ? કેમ એમની નઝર માં આ કૌભાંડ નઝરમાં ના આવ્યું?
ઉચાપત કરનાર કર્મચારી કોઈપણ ખાતાકીય ફરિયાદ વગર પોલીસ મથકે હાજર થઈ પોતે ઉચાપત કર્યાનું કબૂલ કરે છે અને ત્યાર બાદ કચેરીના અધિકારી આ અંગે પૃષ્ટિ કરે છે. કંઇ જુદું રંધાઈ રહ્યું હોય તેમ નથી લાગતું ?
જો ઉચાપત કરનાર કર્મચારી માનસિક રીતે અસ્વસ્થ હતો, તો તેને ફરજ પર ચાલુ કેમ રાખવામાં આવ્યો? શું માનસિક અસ્વસ્થતાનું બહાનું આપી ગુનેગારને છોડી દેવાશે?
આટલી મોટી રકમની ઉચાપત થવા છતાં હાલમાં પણ આરોપી તિમિરભાઈ પટેલ ઉપર કોઈ મોટી કાર્યવાહી કેમ નથી થઈ?
આરોપીએ જાતે ગુનો કબૂલ કરીને બેંક સ્ટેટમેન્ટ સહિતની વિગતો ઉપલા અધિકારીને આપી. આ બાબત સૂચવે છે કે હિસાબોમાં મોટી બેદરકારી અથવા સાંઠગાંઠ હતી.
તિમિરભાઈ પટેલ દ્વારા લગભગ ૧૦ લાખ જેટલી રકમ પરત જમા કરાઈ છે. આ બાબતે કેમ કોઈ પગલાં ભરાયા નથી.
શું વાસમો જેવી સંસ્થાના એકાઉન્ટમાં થતી લેવડદેવડની નોંધ કે ઓડિટ થતું નહોતું? આટલો લાંબો સમય હિસાબોની ગેરહાજરી કેમ રહી?
આરોપીએ માનસિક તણાવને કારણે ગુનો કબૂલ્યો છે, પરંતુ વિજ્ઞાન જાથાનો આક્ષેપ છે કે આ ગુનાહિત કૃત્યો પર ઢાંક પીછોડો કરનાર અને તેમાં સાથ આપનાર તમામ ઉપલા અધિકારીઓને હજુ સુધી કેમ સકંજામાં લેવામાં આવ્યા નથી?
ન્યાય અને તપાસની માંગ:
વિજ્ઞાન જાથાએ આ કેસમાં નિષ્પક્ષ અને સઘન તપાસની માગ કરી છે. તેમની માગ છે કે:
આરોપી, મદદગાર, મધ્યસ્થી અને તમામ સાથી સહયોગીઓને બાનમાં લેવામાં આવે.
ઉચાપત કરેલ રકમની રિકવરી સહિતના દંડાત્મક પગલાં ભરવામાં આવે.
ગુનામાં સામેલ અધિકારીઓ પર પણ ફરિયાદ દાખલ કરી પગલાં લેવામાં આવે.
વિજ્ઞાન જાથાનું કહેવું છે કે, આ પ્રકારના ગુનાહિત કૃત્યો આચરનારા તત્વો પર કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ, જેથી ભવિષ્યમાં આવા બનાવો રોકી શકાય અને એક દાખલો બેસાડી શકાય.
હવે જોવાનું એ રહે છે કે, સ્થાનિક પોલીસ અને ઉચ્ચ સરકારી અધિકારીઓ ગુજરાત વિજ્ઞાન જાથા દ્વારા ઉઠાવેલા આ ગંભીર સવાલોને કેટલી ગંભીરતાથી લે છે અને શું આ કેસમાં માત્ર આરોપી કર્મચારી પર જ કાર્યવાહી થશે, કે પછી તેને સાથ આપનાર કે લાપરવાહી કરનાર ઉપલા અધિકારીઓ પણ કાયદાના સકંજામાં આવશે ખરા
રિપોર્ટર તોસીફ ખત્રી




